બાબા બની ગયેલા IITian અભયના પરિવારની વ્યથાઃ જુવાન દીકરો આ રીતે…

પ્રયાગરાજઃ હિન્દુ ધર્મની એક વિશેષતા એ છે ભગવાનને ભજવા માટે તમારે સંસાર ત્યાગ કરવાની જરૂર નથી, તમે સંસારી બનીને પણ ભગવાનને ભજી શકો છો, સંયમી અને સાત્વિક જીવન જીવી શકો છો. હા સંસાર ત્યાગ કરી સંપૂર્ણપણે આધ્યાત્મિકતા તરફ વળવાની પણ છૂટ છે, પરંતુ જે માતા-પિતા પરિવારે પોતાના સંતાનને ભણાવી-ગણાવી આગળ વધવાની સપના જોયા હોય અને સંતાન આઈઆઈટી જેવી ટૉપ સંસ્થામાં ભણી, કેનેડામાં નોકરી કરી અને અચાનકથી ગાયબ થઈ જાય અને મહિનાઓ પછી ધાર્મિક બાબા બની દેખા દે ત્યારે પરિવાર માટે સ્થિતિ કફોડી બની જાય.
કુંભના મેળામાં જે સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે તે બાબા અભય સિંહના પરિવારની પણ આવી કંઈક સ્થિતિ છે.
પ્રયાગરાજના મહાકુંભમાં સોશિયલ મીડિયા પર ફેમસ થયેલા ઝજ્જરના આઈઆઈટીયન બાબા અભય સિંહ (BABA ABHAY SINH) મૂળ હરિયાણાના ઝજ્જરના સસરૌલીના છે. પિતા વ્યવસાયે વકીલ છે અને ઝજ્જર બારના વડા પણ રહી ચૂક્યા છે. પિતા કરણ સિંહે કહ્યું કે દીકરાની એશો આરામ અને વૈભવ છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા જ મળી હતી. દીકરો ખૂબ જ હોશિયાર હતો અને આઈઆઈટીમાંથી ભણી કેનેડા પણ ગયો હતો. જોકે અભયે પોતાની આધ્યાત્મિક રૂચિ વિશે ક્યારેય વાત કરી ન હતી. અભય ફોન પર વાત ન કરતો અને ઘરે પણ ઓછો આવતો. લગ્ન કરવામાં પણ તેને રસ ન હતો. છએક મહિના પહેલા અચાનક તેણે બધાના ફોન નંબર બ્લોક કરી દીધા. પરિવારે તેના સંપર્ક માટે ઘણી કોશિશ કરી. છેવટે દીકરો કુંભમેળામાં ડબકી લગાવતો મીડિયામાં દેખાયો અને ત્યારે ખબર પડી કે તે આધ્યાત્મિક થઈ ગયો છે.
Also read: મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
અમે ઈચ્છીએ છીએ કે અભય પાછો આવે પણ… પિતાએ ભાવુક થઈને કહ્યું કે દીકરો આ રીતે બાબા બની ગયો તે જાણીને અમે દુઃખી છીએ. અમે છ મહિનાથી તેના લોકેશન્સ ટ્રેસ કરી રહ્યા હતા. તે અભ્યાસ કરતો ત્યારે ઉજ્જૈન કુંભમાં પણ ગયો હતો પરંતુ અમને ખબરહ ન હતી તે આ રીતે બાબા બની જશે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તે પાછો આવે, પરંતુ અમે તેના પર દબાણ લાવવા માગતા નથી. ` અભયની માતા કહે છે કે દીકરાને કંઈ સમસ્યા હોય તો અમને જણાવે. તે તેને સમજાવી પાછો લાવવા કહી રહી છે. પરિવાર પોતાના દીકરાને પાછો લાવવા માગે છે, પરંતુ અમે તેને દુઃખી કરી તેના પર દબાણ લાવવા માગતા નથી.