
નવી દિલ્હીઃ મહાકુંભ મેળાથી પ્રસિદ્ધ થયેલા અને વિવાદામાં પણ ફસાયેલા આઈઆઈટી બાબા ફરી એક નવો મુદ્દો લઈને આવ્યા છે. મહાકુંભ દરમિયાન પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા હતા. ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનની જીતની તેમની આગાહી ખોટી પડતા લોકો તેમના પર વરસી પડ્યા હતા, ત્યારે હવે તેમણે કરેલા આરોપ મુજબ નોઈડા ખાતે એક ખાનગી ટીવી ચેનલની ડિબેટ દરમિયાન તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો છે.
આઈઆઈટી બાબા એટલે કે અભય સિંહ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાગ લેવા ગયા હતા જ્યાં કથિત રીતે તેમના પર હુમલો કર્યાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
આઈઆઈટી બાબાએ ફરિયાદ કરી હતી કે તેમના પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો અન્ય સાધુસંતોએ જ કર્યો છે. નોઈડાના સેક્ટર 126માં બાબાની ફરિયાદ લેવામાં આવી છે. જોકે હાલમાં મારપીટ થઈ હોવાની કોઈ જાણકારી પોલીસે આપી નથી.
IIT Babaના કહેવા અનુસાર તેમને ડિબેટ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમુક અજાણ્યા ભગવા વસ્ત્રોધારીઓએ પર હુમલો કરી દીધો. તેમણે ગમે તેમ કરી પોતાની જાતને બચાવી અને પોલીસને જાણ કરી. જોકે આ સમગ્ર મામલે બાબાની ભૂમિકા પણ તપાસવામાં આવશે.
આ પણ વાંચો…માર્ચની મોંઘેરી શરૂઆત, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો
આઈઆઈટી બાબા તરીકે કુંભમાં દેખાઈ ચૂકેલા બાબા હરિયાણાના સોલી ગામના છે અને એરોસ્પેસ એન્જિનિયરથી આઈઆઈટી બાબા તરીકેની તેમની સફર સમાચારોમાં સતત ચમકતી રહે છે. જોકે કુંભ દરમિયાન પણ તેઓ કોઈ જૂના અખાડા સાથે જોડાયેલા ન હોવાનો ખુલાસો અખાડાના સાધુઓએ કર્યો હતો. આ સાથે તેના માતા-પિતાની સ્થિતિ જોઈને પણ લોકોએ તેની ટીકા કરી હતી.
હવે હુમલા મામલે પોલીસ તેમની ભૂમિકાની પણ ચોકસાઈ કરશે અને ત્યારબાદ કાર્યવાહી કરશે, તેમ જાણવા મળ્યું છે.