અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતાં હો તો, થોભો, આ નિયમ જાણી લો…
ઓસ્ટ્રેલિયાએ નવા સ્ટુડન્ટ વિઝાના નિયમો પ્રમાણે હવે વિદેશી વિધાર્થીઓએ વિઝા મેળવવા માટે ઓછામાં ઓછા 29,710 ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દર્શાવવી અનિવાર્ય રહેશે. નવા નિયમ આ શુક્રવારથી લાગુ પડશે.
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા ભારતીય વિધાર્થીઓ પર શું અસર થઈ શકે છે ? એંથોની અલ્બાનિઝની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે પોતાની વિઝા માટેની જરૂરિયાતોમાં વધુ એક મહત્વપૂર્ણ બદલાવની જાહેરાત કરી છે. આ ફેરફારમાં આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા માટેની માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા 29,710 ઓસ્ટ્રેલિયન ડોલર્સની બચતનું પ્રમાણ દર્શાવવાનું રહેશે. છેલ્લા આઠ મહિનામાં આ બીજો વધારો છે.
બચતની જરૂરિયાતના પ્રમાણમાં 16,146 ઓસ્ટ્રેલિયન ડોલર્સથી વધીને હવે 29,710 ઓસ્ટ્રલિયન ડોલર્સ કરવામાં આવ્યા. સાત જ મહિનામાં આ 13,000થી વધુ ઓસ્ટ્રેલિયન ડોલર્સનો વધારો કરવામાં આવ્યો છે. આ નિયમ, પ્રવાસીઓની સંખ્યામાં વધારો અને વિધાર્થી ભરતી પ્રથામાં મોટી ગડબડીની ચિંતાઓના કારણે લાગુ કરાયો છે. વડા પ્રધાન એંથની અલ્બાનિઝની સરકારએ સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા વધુ મુશકેલ બનાવવા કેટલાક ઉપાયો પણ રજૂ કર્યા છે જેમાં આઈઇએલટીએસ (IELTS) ના ગુણાંકનો પણ સમાવેશ થાય છે.
વર્ષભર આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાના પ્રયત્નમાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયાની મોટી કાર્યવાહી ભારતીય વિધાર્થીઓને વ્યાપક પ્રમાણમાં અસરકર્તા છે.ભારતીય વિધાર્થીઓને ઇચ્છિત વિઝા આપવાના નનૈયાના દાવા વચ્ચે ભારતમાં એક પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ રાજદૂતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ પ્રકારના પગલાં દ્વિપક્ષી સબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં 2023માં પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક નોંધાઈ અને ભારત, ચીન અને ફિલિપિન્સના વિદ્યાર્થી આવે છે.