ભારે વિવાદ વચ્ચે પણ શરદ પવારે એ નિર્ણય ન લીધો હોત તો સોફિયા કુરેશી કે…

નવી દિલ્હીઃ સમગ્ર દેશ ઑપરેશન સિંદૂરની ચર્ચા કરી રહ્યો છે. પહેલાગામ હુમલાના જવાબરૂપે ભારતે ત્રાસવાદી અડ્ડાઓ પર કરેલી મિસાઈલ સ્ટ્રાઈકથી દેશનો રોષ થોડો ઠંડો પડ્યો છે. 26 પુરુષોને ધર્મ પૂછી ગોળીઓ ધરબી દેનારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી ત્રસ્ત ભારતે જડબાતોડ જવાબ આપતા દેશમાં ખુશીની લહેર છે. આ સમગ્ર ઑપરેશન માટે ભારતીય સેનાને દેશવાસીઓ સલામ કરી રહ્યા છે ત્યારે આ ઑપરેશનના બે ચહેરા સૌને વધારે ગર્વ અપવાી રહ્યા છે. આ ચહેરા એટલે ગુજરાતની દીકરી લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ બે મહિલાઓની બહાદુરી અને રણતીનિના ચર્ચા ચારેકોર છે ત્યારે આ બે અને તેમના જેવી સશસ્ત્ર બળોમાં કામ કરતી તમામ મહિલાઓ રાજકારણના ચાણક્ય માનવામાં આવતા શરદ પવારને આભારી છે.
સંરક્ષણ પ્રધાન તરીકે શરદ પવારે ઘણા વિરોધ વચ્ચે મહિલાઓને સેનામાં પ્રવેશ આપવાની જ નહીં, પરંતુ 11 ટકા આરક્ષણ સાથે પ્રવેશ આપવાનો નિર્ણય લીધો હતો. આ અંગે તેમણે એક કાર્યક્રમમાં આપેલી સ્પીચ સોશિયલ મીડિયામાં ફરી વાયરલ થઈ રહી છે. ચાલો જાણીએ તેમણે આ નિર્ણય શા માટે અને કયા વાતાવરણમાં લીધો.
શરદ પવાર સાહેબ યાદ કરે છે અને કહે છે કે…
મને યાદ છે સંરક્ષણ પ્રધાન તરીકે હું એકવાર અમેરિકા ગયો હતો. ઘણા દેશોમાં, એવી પરંપરા છે કે કોઈ દેશના સંરક્ષણ પ્રધાન આવે તો તેમનું એરપોર્ટ પર જ તેનાના પ્રમુખ દ્વારા સલામ કરવામાં આવે છે. જે દિવસે હું અમેરિકા ગયો હતો, જ્યારે હું વિમાનમાંથી ઉતર્યો, ત્યારે સૈનિકોનું એક ગ્રુપ મારી સામે આવ્યું અને મારું સ્વાગત કર્યું. પણ આ ગ્રુપમાં માત્ર સ્ત્રીઓ હતી, પુરુષ નહીં. તેમણે મને સલામ કરી. મેં મલેશિયામાં પણ આ જ ચિત્ર જોયું. પછી મેં વિચાર્યું, ઘણા દેશોમાં, આ જવાબદારી સ્ત્રીઓ પર મૂકવામાં આવે છે, તો આપણે ભારતમાં આવું કેમ નહીં? મેં આ વિશે નિર્ણય લેવાનું વિચાર્યું.
તે સમયે એક સિસ્ટમ હતી. દર સોમવારે સવારે 9 વાગ્યે, સંરક્ષણ પ્રધાનના કાર્યાલયમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ અને સંરક્ષણ સચિવ સાથે એક બેઠક યોજવામાં આવે છે. તેઓ દેશમાં શું પરિસ્થિતિ છે, સરહદ પર શું પરિસ્થિતિ છે તેની ચર્ચા કરે છે. ત્યારબાદ દરિયામાં શું પરિસ્થિતિ છે જે નૌકાદળના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. શું સંરક્ષણ મંત્રાલયમાં વધુ કોઈ સુધારાની જરૂર છે વગેરે જેવી ચર્ચાઓ ખુલ્લા મને થતી અને દરેક પોતાનો મત આપતા.
આવી જ એક મિટિગમાં મેં મારા મનની વાત રાખી. ઘણા દેશો પોતાના સૈન્યમાં મહિલાઓને સ્થાન આપે છે, તો આપણે શા માટે નહીં? મારા વિચારમાત્રનો ત્રણેય સેના પ્રમુખોએ સખત વિરોધ કર્યો. મેં બધાની વાત સાંભળી અને એક મહિના પછી ફરીથી આ વિષય ઉઠાવ્યો. ફરીથી, આ ત્રણેયનો મત એક જ હતો અને તેમની ના હતી. મેં બીજો મહિનો રાહ જોઈ અને તેમને ફરી વિચારવાનું કહ્યું. ત્રીજી બેઠકમાં પણ, તેઓએ કહ્યું કે આ શક્ય નહીં બને. તેમની ત્રીજી વાર ના આવી પછી મેં એક બેઠકમાં કહ્યું કે લોકોએ મનો ચૂંટ્યો છે અને મને સંરક્ષણ પ્રધાનની જવાબદારી મળી છે. હું નીતિગત નિર્ણયો લેવાનો અધિકાર ધરાવું છું.
મારે નિર્ણયો લેવાના હોય છે અને તમારે તેને અમલમાં મૂકવાના છે. મેં નિર્ણય લઈ લીધો છે. મહિલાઓને સશસ્ત્ર દળોમાં પ્રવેશ આપવામાં આવે અને તેમને 11 ટકા આરક્ષણ પણ આપવામાં આવે. પવારે ત્યારબાદ એક કાર્યક્રમમાં એમ પણ કહ્યું હતું કે મહિલાઓને સેનામાં પ્રવેશ આપ્યાના બે વર્ષ બાદ મેં જ્યારે રિપોર્ટ જોયો ત્યારે એ ધ્યાનમાં આવ્યું હતું કે એરક્રાફ્ટ ક્રેશની ઘટનાઓની સંખ્યામાં સતર્ક મહિલા પાયલટ્સને લીધે ઘટાડો નોંધાયો હતો. આ નિર્ણયમાં ત્યારબાદ ઘમા સુધારા થયા અને મોદી સરકારે પણ મહિલાઓને દેશની રક્ષા કરતી ત્રણેય સેનાઓમાં ઘણી મહત્વની ભૂમિકાઓ આપી છે.
તેમણે લીધેલા આ નિર્ણયને સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ જેવી કેટલીય દેશની દીકરીઓએ યોગ્ય અને વાજબી ઠેરવ્યો છે.
આ પણ વાંચો….ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી કડકડાટ બોલે છે ગુજરાતી? જાણો પરિવાર વિશે