ભગવાન શ્રીરામ ધરતી પર અવતરે તો પીએમ મોદીને સવાલો પૂછશે..’ કયા નેતાએ આપ્યું આ નિવેદન?
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં લોકોને આમંત્રણ મોકલવા અંગે રાજકીય ચર્ચા પણ ચાલી રહી છે. આ મુદ્દે બિહારના RJD પક્ષમાંથી રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “RJDનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. RJD સર્વધર્મ સમભાવમાં માને છે. તમામ ધર્મ વચ્ચે સમન્વય હોવો જોઈએ, પરંતુ મારી આસ્થા એ મારી અંગત બાબત છે. તેનું જાહેર અને અશિષ્ટ પ્રદર્શન હું જે ભગવાનનો ભક્ત હોઉં તેને પણ પરેશાન કરશે. તેમણે કહ્યું કે જો ભગવાન શ્રીરામ ખરેખર 22 જાન્યુઆરીએ પૃથ્વી પર આવે છે, તો તેઓ પણ પીએમ મોદીને કેટલાક પ્રશ્નો પૂછશે.”
મનોજકુમાર ઝાએ કહ્યું હતું કે “ભગવાન રામ પીએમ મોદીને પણ પૂછશે કે યુવાનો માટે નોકરીઓ ક્યાં છે અને દેશમાં આટલી મોંઘવારી કેમ છે? શા માટે મિલકત માત્ર 5 લોકો વચ્ચે વહેંચવામાં આવે છે? દરેક વ્યક્તિ તેમની આગળ ઝૂકે છે. વડા પ્રધાન મોદી અને ભાજપના લોકો મર્યાદા પુરુષોત્તમની છબીને સમજી રહ્યા નથી.” તેમણે વંચિત અને શોષિત સમાજ અંગે સંત રવિદાસ, કબીરદાસ, સાવિત્રીબાઈ ફુલે, જ્યોતિબા ફુલેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિ 22 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે થશે. રામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે પત્રકારોને આ માહિતી આપી હતી.
ચંપત રાયે ભક્તોને અપીલ કરી હતી કે, “રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ આરતી કરો, આસપાસના બજારો અને વિસ્તારોમાં ભગવાનનો પ્રસાદ વહેંચો અને સાંજે સૂર્યાસ્ત પછી દીવા પ્રગટાવો.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અયોધ્યાથી સમગ્ર વિશ્વને આહ્વાન કરતી વખતે આ પ્રકારે જ વિનંતી કરી હતી.