નેશનલ

ભગવાને ઇચ્છા પૂરી નહીં કરી તો ભક્તે કર્યું કંઇક એવું કે…

લોકો ઘણીવાર ભગવાન પાસે પોતાની મનની ઈચ્છા માગવા જાય છે, પરંતુ જ્યારે તેમની ઈચ્છાઓ સમયસર પૂરી ન થાય તો તેઓ એમ વિચારે છે કે તેમની પૂજામાં જ કંઇક દોષ રહી ગયો હશે અને પૂજા બરાબર રીતે નહીં કરી હોય, તેથી જ ભગવાને તેમને ફળ નહીં આપ્યું હોય. લોકો પછી તેમની પૂજા પ્રક્રિયાને સુધારવાનો પણ પ્રયાસ કરે છે. આ બધાની વચ્ચે, ચેન્નાઈમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મનાડી નજીક કોટ્ટવાલચાવાડીમાં એક મંદિરમાં પેટ્રોલ બોમ્બ ફેંકવા બદલ શુક્રવારે સવારે 39 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

આ કેસમાં પૂછપરછ દરમિયાન જ્યારે આરોપીએ પેટ્રોલ બોમ્બ ફેંકવાનું કારણ જણાવ્યું તો પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઇ હતી. આરોપીએ કહ્યું કે તેણે મુશ્કેલીમાં ભગવાનને પ્રાર્થના કરી હતી, પરંતુ તેની પ્રાર્થનાનો કોઈ જવાબ નહીં મળત્યો, જેના કારણે તેણે ગુસ્સે થઈને મંદિર પર હુમલો કર્યો હતો.

આરોપી ચેન્નાઈના મુરલીકૃષ્ણન બ્રોડવે પાસે આવેલા સેવન વેલ્સનો રહેવાસી છે. તે અટિયાપ્પા અને ગોવિંદપ્પા રોડના જંક્શન પર સ્થિત વીરબાસુર સ્વામી મંદિર પાસે ડ્રાયફ્રૂટ્સનો જથ્થાબંધ વેપાર કરે છે. આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી નિયમિત રીતે મંદિરમાં આવતો હતો અને દર્શન પૂજા પછી મંદિરના મુખ્ય પૂજારીને મળતો હતો. મુરલીકૃષ્ણન શુક્રવારે સવારે 8:40 વાગ્યે મંદિર પહોંચ્યો હતો અને ગર્ભગૃહમાં પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસે તેને ઝડપી લીધો હતો.

આરોપી મુરલીકૃષ્ણનની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેની તબિયત ઠીક નથી, જેના કારણે તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ ભગવાન પાસેથી તેની પ્રાર્થનાનો કોઈ જવાબ નથી મળતો. જેનાથી નારાજ થઈને તેણે મંદિરમાં પેટ્રોલ બોમ્બ ફેંકી દીધો હતો. દરમિયાન, ઘટના બાદ કોટવાલચાવડી પોલીસે ગુનો નોંધી જણાવ્યું હતું કે, ઘટના સમયે આરોપી નશામાં હતો. મંદિરની નજીક એક ચાના સ્ટોલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં મુરલીકૃષ્ણન ખુરશી પર બેસીને કાચની બોટલમાં પેટ્રોલ ભરતા હોવાનું બહાર આવ્યું હતું. તે બોટલને કપડાથી ઢાંકીને આગ લગાવતો જોવા મળે છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે મુરલીક્રિષ્નન સામે હત્યાનો પ્રયાસ અને હુમલા સહિતના અનેક કેસ પેન્ડિંગ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button