શું ગૂગલે ડૂડલમાં જે ઈડલીને સ્થાન આપ્યું તે ભારતની વાનગી નથી? જાણો આખો ઈતિહાસ…

સામાન્ય રીતે ગરમા ગરમ ઈડલીની સામે આવે ત્યારે દક્ષિણ ભારતની યાદ આવી જાય, જ્યાના ઈડલી સાથે સાંભર અને ચટણીનો ચટાકો લેવાની ઘણા લોકોની ઈચ્છા હોય છે. આ વખતે ગૂગલે પોતાના ડૂડલમાં ઇડલીને સ્થાન આપીને આ વ્યંજનને વિશ્વભરમાં એક નવી ઓળખ આપી છે. કેળાના પાન પર તૈયાર થતી ઇડલીનું આ એનિમેટેડ ડૂડલ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. આ ડૂડલ ભારતીય ખાણીપીણીની પરંપરાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરીને તેને એક પ્રમાણિત માન્યતા આપે છે.
ગૂગલે આ ડૂડલમાં નરમ અને ફૂલેલી ઇડલીઓ, કેળાના પાન અને વરાળ છોડતા વાસણોને દર્શાવીને દક્ષિણ ભારતીય રસોઈની લીજ્જતને જીવંત કરી છે. આ ડૂડલ તેની ફૂડ અને ડ્રિંક શ્રેણીનો ભાગ છે, જે વિશ્વભરના પ્રિય સ્થાનિક વ્યંજનોનું સન્માન કરે છે. તમિલ ખાણીપીણી સંસ્કૃતિના સન્માનમાં બનાવેલું આ ડૂડલ ખરેખર તમિલનાડુની પરંપરાને હાઈલાઈટ કરે છે, જો કે વિશ્વ ઇડલી દિવસ ૩૦ માર્ચે ઉજવાય છે.
તમિલનાડુ અને અન્ય દક્ષિણ ભારતીય રાજ્યોમાં સૌથી વધુ પસંદ વાનગી ઇડલીએ ઉત્તર ભારત સુધી પોતાની અનોખી જગ્યા બનાવી છે. આ વ્યંજન માત્ર ખોરાક નથી, પરંતુ તે લાગણી અને પરંપરાનું પ્રતીક બની ગયું છે. ચટણી, સાંભર અને ફિલ્ટર કોફી સાથે પીરસાતી ઇડલી ઘરઘરમાં સરળ અને પૌષ્ટિક વિકલ્પ તરીકે જાણીતી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) પણ તેને પૌષ્ટિક ખોરાકમાં ગણે છે, કારણ કે તેની ફર્મેન્ટેશન પ્રક્રિયા ચોખાના સ્ટાર્ચને તોડીને પાચનને સરળ બનાવે છે, જે તેને ખીચડી જેવા આદર્શ ભોજનની શ્રેણીમાં મૂકે છે.
ઇડલીનો ઇતિહાસમાં પ્રાચીન ઉલ્લેખ
આ હળવું અને સરળતાથી પચી જતો નાસ્તો ક્યાંથી આવ્યો તે અંગે અનેક મતમતાંતર છે. પ્રખ્યાત શેફ રણવીર બરારે તેને ઇન્ડોનેશિયાથી આવેલું વ્યંજન ગણાવ્યું હતું, જ્યાના વેપારીઓ અને પ્રવાસીઓ તેને ભારતીય તટીય વિસ્તારોમાં લાવ્યા હતા, પરંતુ આ વાત પર ઘણા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વેદિક સાહિત્યમાં ઈડલીનો ઉલ્લેખ ‘કરવ’ અથવા ‘કરંભ’ જેવા વ્યંજન તરીકે જોવા મળે છે.
જે જવના સત્તુને દહીંમાં મેળવીને વરાળમાં પકાવવામાં આવતા હતા. આ વ્યંજનો આજની ઇડલી જેવા ન હોય તો પણ તેમના પૂર્વજ તરીકે જોવાય છે. કન્નડ સાહિત્યમાં ઈસ્વી 920માં શિવકોટી આચાર્યની ‘વડ્ડારાધને’માં ‘ઇડ્ડલીગે’નો ઉલ્લેખ છે, જે કાળા ચણા અને છાશના મિશ્રણથી બનતું હતું. પછીથી 1025માં ‘લોકોપકાર’ અને 1130માં રાજા સોમેશ્વર તૃતીયના ‘માનસોલ્લાસ’માં પણ તેની રેસીપીનું વર્ણન મળે છે.
ઇન્ડોનેશિયાના દાવા અને આધુનિક સ્વરૂપ
ઇન્ડોનેશિયાના દાવાને પૂરેપૂરું સ્વીકારવું મુશ્કેલ છે, પરંતુ ત્યાં પણ ‘કેડલી’ તરીકે જાણીતું વ્યંજન ઈડલીની જેમ જ સવારના નાસ્તામાં લોકપ્રિય છે. ખાદ્ય વૈજ્ઞાનિક કે.ટી. આચાર્ય તેમની પુસ્તક ‘ઇન્ડિયન ફૂડઃ એ હિસ્ટોરિકલ કમ્પેનિયન’માં ઇડલીના આધુનિક સ્વરૂપને ઇન્ડોનેશિયાથી જોડે છે.
એક દંતકથા અનુસાર, એક રાજકુમારીના લગ્નમાં તેના રસોઇયાઓ ઇન્ડોનેશિયા ગયા અને ત્યાં ઇડલીને બનાવી હતી, જે પછી વેપારીઓ તેને ભારત લાવ્યા હતા. આ પ્રક્રિયામાં ફર્મેન્ટેશન માટે ખમીર કે સોડાનો ઉપયોગ શરૂ થયો, જેનાથી દહીં અને છાશની જરૂરિયાત ઘટી ગઈ હતી. આજે પણ પરંપરાગત સ્વાદ માટે ચોખાના લોટને છાશમાં રાતભર ફુલાવીને તેમાંથી ઇડલી તૈયાર કરવામાં આવે છે, અને તેની સાથે સાંભરની પીરસવામાં આવે છે.