
નવી દિલ્હી: 2020માં આવેલી મહામારી બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. હાર્ટ એટેકથી મૃત્યુના કેસોની સંખ્યા એ સૌને ચોંકાવી દીધા છે. આ કેસ વધવા પાછળ કોરોના રસી જવાબાદાર હોવાની ચર્ચા વારંવાર થતી રહે છે. એવા દાવા પણ માંડવામાં આવ્યા છે. કોરોના અને તેની વેક્સિનના કારણે હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને એઇમ્સના રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા આપી છે કે હાર્ટ અટેકના વધતા કેસ અને રસીનો કોઈ જોડાણ નથી.
અભ્યાસની વિગતો
ICMRના અભ્યાસમાં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં મે 2023થી ઓગસ્ટ 2023 દરમિયાન સંશોધન કરવામાં આવ્યું. આ અભ્યાસ એવા લોકો પર કરાયો જેઓ ઓક્ટોબર 2021થી માર્ચ 2023 દરમિયાન સ્વસ્થ હતા, પરંતુ તેમનું અચાનક મૃત્યુ થયું. અભ્યાસમાં જાણવા મળ્યું કે કોરોના રસીથી યુવાનોમાં હાર્ટ અટેકનું જોખમ વધ્યું નથી, ન તો તેનાથી અચાનક મૃત્યુનું કોઈ જોડાણ છે.

અભ્યાસનું મહત્વ
આ અભ્યાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશમાં યુવાનોમાં હાર્ટ અટેકથી મૃત્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ આવા મૃત્યુનાં કારણો શોધવા સંશોધન કરી રહ્યાં છે. અભ્યાસમાં જીવનશૈલી અને પૂર્વની આરોગ્ય સ્થિતિઓને અચાનક મૃત્યુનું મુખ્ય કારણ ગણાવાયું છે, જેમાં રસીની કોઈ ભૂમિકા નથી.
રાજકીય નિવેદન અને પ્રતિક્રિયા
આ અભ્યાસ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવેદનના એક દિવસ બાદ જાહેર થયો, જેમાં તેમણે કોરોના રસીની ઝડપી મંજૂરી અને વિતરણને યુવાનોના અચાનક મૃત્યુ સાથે જોડ્યું હતું. ICMRનો અભ્યાસ આ દાવાને નકારે છે અને સ્પષ્ટ કરે છે કે રસી સુરક્ષિત છે. આ અભ્યાસ લોકોમાં રસી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો : કોરોનાના નવા ‘સિંગાપોર વેરિઅન્ટ’ અંગે ICMR-NIV દ્વારા રાહતના સમાચાર: ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર