IB અને રાજસ્થાન પોલીસ વાંગચુકની પત્નીનો પીછો કરી રહી છે! સુપ્રીમ કોર્ટ સમક્ષ ફરિયાદ

નવી દિલ્હી: લદાખમાં હિંસક અથડામણો બાદ જાણીતા ક્લાઈમેટ એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે, હાલ તેમને રાજસ્થાનના જોધપુરની જેલમાં રાખવામાં આવ્યા છે. વાંગચુકની ધરપકડ સામે તેની પત્ની ગીતાંજલિ આંગ્મોએ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી છે. ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ ગીતાંજલિએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ જોધપુર જેલમાં તેમના પતિ સોનમ વાંગચુકને મળવા જઈ રહ્યા હતા, ત્યારે ઈન્ટેલીજન્સ બ્યુરો અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ તેમનો પીછો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે, તેમની દરેક ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગીતાંજલિએ આરોપ લગાવ્યો કે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમણે કોર્ટને પ્રશ્ન કર્યો કે જો કોઈ વ્યક્તિને NSA હેઠળ અટકાયતમાં આવે તો, તે વ્યક્તિના પરિવારના સભ્યની વ્યક્તિગત સ્વતંત્રતા અધિકાર રદ કરવામાં આવે છે?
આપણ વાંચો: સોનમ વાંગચુકની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો
જોધપુર પહોંચતા જ રોકવામાં આવ્યા:
ગીતાંજલીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેઓ 7 ઓક્ટોબર અને 11 ઓક્ટોબરના રોજ જોધપુર સેન્ટ્રલ જેલમાં સોનમ વાંગચુકને મળવા જઈ રહ્યા હતાં, ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને રાજસ્થાન પોલીસ અધિકારીઓએ તેમને એરપોર્ટ પર રોકી દીધા. અધિકારીઓ તેમને પોલીસ કારમાં બેસવાનું કહ્યું જેની બારીઓ પર સફેદ પડદા લગાવવામાં આવેલા હતાં.
સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં મુલાકાત:
ગીતાંજલીએ જણાવ્યું કે જેલમાં જેલ સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં મુલાકાત ગોઠવવામાં આવી, જેલ સુપરિન્ટેન્ડેન્ટ મુલાકાત દરમિયાન ત્યાં જ હાજર રહ્યા. અધિકારીઓ એ તેમણે મુસાફરી અને જોધપુરમાં ક્યાં રોકાયા છે એની વિગતો પૂછી.
આપણ વાંચો: ‘મારા પતિ દેશ માટે ખતરો નથી’: સોનમ વાંગચુકની પત્નીએ રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ્યો હસ્તક્ષેપ
ટ્રેન પર નજર રાખવામાં આવી
પોલીસે તેમને જોધપુરમાં કોઈ સાથે મુલાકાત કરવા ન દીધી. જેલમાંથી નીકળીને અધિકારીઓ તેને રેલ્વે સ્ટેશન લઈ ગયા. પોલીસનો એક માણસ તેમની સાથે ટ્રેનમાં ચઢ્યો અને જોધપુરથી બે કલાક સુધી મુસાફરી કરી, આખરે તે મેરતા રોડ જંકશન પર ઉતર્યો.
ગીતાંજલીએ ફરિયાદ કરી કે બંને વખતે એજન્સીઓએ ભારતના સ્વતંત્ર નાગરિક તરીકે તેમની વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડ્યું છે.