દિલ્હી કોચિંગ સેન્ટરમાં દુર્ઘટનાઃ રસ્તા પરનું પાણી બેઝમેન્ટમાં કઈ રીતે પહોંચ્યું, મંજૂરી વિના ચાલતી હતી લાઇબ્રેરી

નવી દિલ્હીઃ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક વરસાદના પાણી ભરાઈ ગયા પછી ચાર કલાકથી વધુ સમય સુધી ફસાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીનાં મોત થયા હતા. આ બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોચિંગ સંસ્થાને લાઈબ્રેરી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં બેઝમેન્ટ જમીનથી લગભગ આઠ ફૂટ નીચે છે, જેમાં એક લાઈબ્રેરી હતી.
ભારે વરસાદ પછી ગેટ બંધ કરવામાં આવ્યા હતા. પાણીને બિલ્ડિંગમાં રોકવા માટે કોચિંગ સેન્ટરના પ્રવેશ દ્વારમાં એક સ્ટીલનો શેડ લગાવ્યો હતો. બેઝમેન્ટમાં પાણી કઈ રીતે ભરાયું એના અંગે તપાસ કરવામાં આવી રહી છે. એક થિયરી મુજબ વરસાદ પડ્યા પછી રસ્તા પર પાણી ભરાયા પછી સ્ટીલનો શેડ તૂટી ગયા પછી બેઝમેન્ટમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. અન્ય એક અહેવાલમાં પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી કે કદાચ કોઈ કારને કાઢવા માટે દરવાજો જાણી જોઈને ખોલવામાં આવ્યો અને રસ્તા પરનું પાણી બેઝમેન્ટમાં ઘૂસી ગયું.
આ પણ વાંચો ; Delhi IAS Coaching Incident: દિલ્હીના મેયરે MCD કમિશ્નરને આપ્યા કડક કાર્યવાહીના આદેશ…
આ ઉપરાંત, કોચિંગ સેન્ટરે દસ્તાવેજમાં હેરફેર કરીને બેઝમેન્ટને સ્ટોરેજ રૂમ તરીકે બતાવ્યો હતો જ્યારે તેનો ઉપયોગ મંજૂરી વિના લાઇબ્રેરી તરીકે કરવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. નોંધનીય છે કે શનિવારે ભારે વરસાદને કારણે કોચિંગ સેન્ટર ‘રાવ આઇએએસ સ્ટડી સર્કલ’ની બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ જતાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ ઉમેદવારોના મોત થયા હતા.
બિલ્ડિંગ પ્લાનિંગ અને ફાયર ડિપાર્ટમેન્ટના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મુજબ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે ખોટી રીતે દર્શાવ્યું હતું કે બેઝમેન્ટનો પાર્કિંગ અને સ્ટોરેજ રૂમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણ માળના કોચિંગ સેન્ટરના બિલ્ડિંગ પ્લાનને 2021માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ના સંબંધિત વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
એમસીડીના એક અધિકારીએ જણાવ્યું કે, “કોચિંગ સેન્ટરના બિલ્ડિંગ સર્ટિફિકેટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે બેઝમેન્ટનો ઉપયોગ માત્ર પાર્કિંગ અને સ્ટોરેજ માટે જ થઈ શકે છે. “આનો અર્થ એ થયો કે ભોંયરાનો લાઇબ્રેરી તરીકે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.”