નેશનલ

રામ મંદિરના મહોત્સવ મુદ્દે મમતા બેનરજીએ ભાજપ પર નિશાન સાધ્યું, આપ્યું મોટું નિવેદન

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આજે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. બેનરજીએ ખૂબ જ તીખા શબ્દોમાં કહ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે.

બંગાળના જયનગરમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ કહ્યું હતું કે મને રામ મંદિરના ઉદ્ધાટનમાં આવવા માટે પૂછવામાં આવ્યું હતું. પરંતુ હું એવા તહેવારમાં માનું છું જે બધા સાથે મળીને ઉજવે. ચૂંટણી પહેલા તેઓ નાટક કરી રહ્યા છે. મને તેમના નાટકથી કોઈ પ્રશ્ન નથી પરંતુ અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હું ભગવાનની સોગંધ ખાઉં છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં થવા દઉં. હું લોકોને ધર્મના આધારે વહેંચવામાં સહેજ પણ માનતી નથી.

નોંધનીય છે કે 22 જાન્યુઆરીએ યોજાનારા રામમંદિરના અભિષેક સમારોહ માટે બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે બેનરજી મંદિરના સમારોહમાં હાજરી આપશે નહીં તેમ જ ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે મમતા બેનરજી કે પછી ટીએમસીના અન્ય કોઈ પ્રતિનિધિના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે અમે રાજકારણને ધર્મ સાથે ભેળવવામાં માનતા નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અભિષેક સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત લગભગ દરેક ક્ષેત્રના દિગ્ગજ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button