…હવે મારે વહેલા લગ્ન કરવા પડશેઃ રાહુલ ગાંધીએ કોને આપ્યો જવાબ?
રાયબરેલીઃ લોકસભા (Lok Sabha Election 2024) ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે આજે રાહુલ ગાંધી બહેન પ્રિયંકા સાથે રાયબરેલી પહોંચ્યા હતા. એ વખતે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) રાયબરેલીમાં રેલી કરી હતી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. એ વખતે સભામાં રાહુલ ગાંધીને લગ્ન અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાહુલે રસપ્રદ જવાબ આપીને ફરી ચર્ચામાં આવ્યા છે.
રેલી દરમિયાન એક બાળકે રાહુલ ગાંધીને લગ્ન અંગે સવાલ કર્યો હતો ત્યારે એનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને હવે લાગે છે કે મારે બહુ ઝડપથી લગ્ન કરવા પડશે. આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી રાયબરેલીમાં ઘરે-ઘરે જઈને ચૂંટણીનો પ્રચાર કરે છે અને લોકોને ઘરે જઈને મળી રહ્યા છે.
કોંગ્રેસના નેતા અને રાયબરેલી લોકસભાની સીટ પરથી ઉમેદવાર રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતી વખતે રાયબરેલીથી ચૂંટણી શા માટે લડી રહ્યા છે એના અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા માતા સોનિયા ગાંધી સાથે બેઠો હતો. એ વખતે તેમને મેં એક-બે વર્ષ પહેલા વીડિયોમાં કહ્યું હતું કે મારી બે માતા હતી એક સોનિયા ગાંધી અને બીજી ઈન્દિરા ગાંધી. મારા બંને માતાની આ કર્મભૂમિ છે, તેથી હું રાયબરેલીથી ચૂંટણી લડું છું.
અહીં એ જણાવવાનું કે રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી નહીં, પણ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની ટક્કર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સામે છે. આ અગાઉ સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ રહી ચૂક્યા છે. અમેઠીમાં રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા નથી, જે બેઠક પર ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની ચૂંટણી લડશે.