“હું તમારા આભારની રાહ જોઉં છું” : ભારતીય તેલ બજારોમાં નરમાઈ અંગે એસ જયશંકર
નવી દિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર લંડનમાં જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે તેની વ્યૂહાત્મક નીતિઓ દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ બજારોને સ્થિર કરવામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. બ્રિટનની પાંચ દિવસની મુલાકાત દરમિયાન લંડન પહોંચેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે હાલમાં જે રીતે વૈશ્ર્વિક ફુગાવા પર નિયંત્રણ મેળવ્યું છે તે ખરેખર મોટા અને આર્થિક સંપન્ન દેશો માટે પણ અશક્ય છે. અને તેના માટે હું તમારા આભારની રાહ જોઉં છું.
વિદેશ પ્રધાને કહ્યું હતું કે તેલની ખરીદી પ્રત્યે ભારતનો અભિગમ વૈશ્વિક તેલના ભાવમાં વધારો અટકાવે છે, જેનાથી બજારમાં યુરોપ સાથે સંભવિત સ્પર્ધા અટકાવી શકાય છે. તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો ઉલ્લેખ કરતા એસ જયશંકરે સિદ્ધાંતો અને હિતો વચ્ચે સંતુલન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે થોડા ઉત્ક્રાંતિવાદી છીએ અને થોડા ક્રાંતિકારી છીએ. તેમણે ઉભરતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની મજબૂત સ્થિતિ પર પણ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત એસ જયશંકરે ભારતની ઘણી મોટી સિદ્ધિઓની પણ ચર્ચા કરી, જેમાં કોવિડ સમયે ભારતે જાળવી રાખેલી સ્થિરતા, આર્થિક પરિવર્તન, બેંકોનું પુનઃમૂડીકરણ, નિકાસને વેગ આપવાના પ્રયાસો, નવેસરથી વ્યાપાર વિશ્વાસ, સામાજિક આર્થિક પરિવર્તન અને ડિજિટલ ટેકનોલોજી વિશે પણ વાત કરી હતી.