I am perfectly ok if leaders like Himanta n Milind leave congress: કોણે કહ્યું આમ ને શા માટે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાંથી મોટા નેતાઓ બહાર નીકળી ભાજપ કે અન્ય પક્ષમાં જઈ રહ્યા છે. 2014માં હિમંત બિસ્વા સરમાએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં પ્રવેશ મેળવ્યો જ્યારે તાજેતરમાં મુંબઈના નેતા મિલિન્દ દેવરાએ કૉંગ્રેસ સાથેનો જૂનો સંબંધ તોડ્યો.
અગાઉ પણ જ્યોતિરાદિત્ય સિંધિયાથી માંડી ઘણા મોટા માથાઓ પક્ષ છોડીને જતા રહ્યા છે. ગુજરાતમાં પણ આ સિલસિલો ચાલુ જ છે, તેવામાં કૉંગ્રેસના સાંસદ અને હાલમાં ભારત જોડો ન્યાય યાત્રા પર નિકળેલા રાહુલ ગાંધીનું નિવેદન બહાર આવ્યું છે, જેમાં તેઓ ખાસ હિમંત અને મિલિન્દનું નામ લઈને કહી રહ્યા છે કે આ નેતા પક્ષમાંથી જાય તેનાથી મને કોઈ ફરક પડતો નથી. રાહુલ પશ્ચિમ બંગાળ ખાતે વોરિયર્સ ઓફ ડિજિટલ મીડિયા નામે એક સેશન કરી રહ્યા હતા, જેમાં તેઓ ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતા તેમણે કહ્યું હતું કે હિમંત અને મિલિન્દ જેવા નેતા પક્ષમાંથી જાય તેમ હું ઈચ્છું છું.
મને કોઈ ફરક પડતો નથી. તેઓની વિચારધારા પક્ષ સાથે મેચ ખાતી નથી. હિમંત સરમાના અમુક નિવેદનોથી ખબર પડે છે કે તેમની વિચારધારા કેવી છે. હિમંત જે રાજકારણની વાત કરી રહ્યા છે તે કૉંગ્રેસની રાજકારણ કરવાની રીત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આસામમાં રાહુલની યાત્રા સમયે મુખ્ય પ્રધાન હિમંતને રાહુલે સૌથી ભ્રષ્ટ મુખ્ય પ્રધાન કહ્યા હતા જ્યારે સરમાએ યાત્રા દરમિયાન રાહુલ બોડી ડબલનો ઉપયોગ કરે છે તેવા આક્ષેપો કર્યા હતા.
જોકે તેમણે મિલિન્દ વિશે ખાસ કઈ કહ્યું નથી. મિલિન્દ એક સમયે રાહુલની યંગ બ્રિગેડનો મહત્વનો સભ્ય હતો. તેણે રાહુલની ન્યાય યાત્રાના પહેલા દિવસે જ કૉંગ્રેસ સાથેનો 55 વર્ષનો નાતો તોડી શિંદેસેના સાથે હાથ મિલાવી લીધા હતા.
જોકે કૉંગ્રેસમાંથી જે રીતે નેતાઓ જઈ રહ્યા છે તે જોતા પક્ષે ચિંતા અને ચિંતન બન્ને કરવાની જરૂર છે.