હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ હિમાલયમાં આફતોનું જોખમ વધી રહ્યું છે: નિષ્ણાતો
પર્યાવરણ નિષ્ણાતો અને કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે હિમાલયના સંવેદનશીલ વિસ્તારમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ધારાધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, જેને કારણે હિમાલય પર્વતીય રાજ્યોમાં આફતોનું જોખમ વધી રહ્યું છે. સિક્કિમમાં લોનાક સરોવર પરનો ડેમ તુટવાને કારણે આવેલા પૂરને કારણે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં 100 થી લોકોના મોત થયા હતા અને સંપતિને ભારે નુકસાન થયું હતું. ચુંગથાંગ ડેમ કે જેને તિસ્તા-3 ડેમ તરીકે પણ ઓળખવામાંતે તૂટી પડવાને કારણે ભયંકર પુર આવ્યું હતું.
નિષ્ણાતો અને કાર્યકરોએ કહ્યું હતું કે તિસ્તા નદી પર બાંધવામાં આવેલા બંધોની શ્રેણી આપત્તિની સંભાવનામાં વધારો કરે છે. તેમણે પ્રસ્તાવિત તિસ્તા ચાર બંધને રદ કરવાની અપીલ કરી હતી. છેલ્લા બે દાયકાઓમાં, ઘણી સરકારી એજન્સીઓ અને સંશોધન અભ્યાસોએ સિક્કિમમાં ગ્લેશિયલ લેક ફ્લડિંગ (GLOF)ની સંભવિતતા વિશે ચેતવણી આપી હતી, જે જાનમાલને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.
2015માં સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં રાજ્ય સરકારને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તિસ્તા પરના મોટાભાગના હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં આવી ઘટનાઓનું જોખમ વધી રહ્યું છે.
સિક્કિમની એક સામાજિક સંસ્થાએ જણાવ્યું હતું કે, “1,200 મેગાવોટની તિસ્તા-3 પરિયોજના સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. રાજ્ય સરકાર નબળા બાંધકામ માટે અગાઉની સરકારને જવાબદાર ઠેરવી રહી છે. અગાઉની સરકાર GLOF પર દોષારોપણ કરી રહી છે, પરંતુ આવા સંવેદનશીલ વિસ્તારમાં ડેમના નિર્માણ પર કોઈ સવાલ ઉઠાવતું નથી.”
સંસ્થાએ કહ્યું કે, આ કોઈ કુદરતી આપત્તિ નથી, અને અમે જવાબદારી નક્કી કરવાની તેમજ સૂચિત તિસ્તા ચાર ડેમ પ્રોજેક્ટને રદ કરવાની માંગ કરી રહ્યા છીએ.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વધતા વૈશ્વિક તાપમાનને કારણે હિમાલયના ગ્લેશિયર્સનું પીગળવાનું ઝડપી બન્યું છે અને તિસ્તા નદી પર બાંધવામાં આવેલા બંધોને કારણે પૂરની અસર અને તીવ્રતામાં ગંભીર વધારો થયો છે.
પર્યાવરણ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પ્રસાશને સ્થાનિક વિરોધને સતત અવગણ્યો છે અને તમામ સામાજિક અને પર્યાવરણીય નિયમોની અવગણના કરી છે. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર ખાસ કરીને વાકેફ છે કે દક્ષિણ લોનાક સરોવર તિસ્તા નદીના બંધો માટે ખતરો છે.