હૈદરાબાદ યુનિવર્સિટીમાં હોબાળો, કેમ્પસ પાસે બુલડોઝર જોઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા

હૈદરાબાદ: તેલંગાણાની હૈદરાબાદમાં યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ આજે હોબાળો (Uproar in Hyderabad university) મચાવ્યો હતો. આજે સવારે કેમ્પસની બાજુમાં આવેલી જમીન પર કેટલાક બુલડોઝર્સ પાર્ક થયેલા જોતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા, ત્યાર બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
પોલીસે કાર્યવાહી કરી 53 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હતાં, જો કે સ્થિતિ શાંત થયા બાદ પોલીસે વિદ્યાર્થીઓને છોડી મૂક્યા હતાં. આ ઘટનાને કારણે યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ માહોલ છે.
નોંધનીય છે કે તેલંગાણા સરકારે હૈદરાબાદ યુનિવર્સિટી કેમ્પસની નજીક 400 એકર જમીનમાં IT પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. પર્યાવરણીય બાબતોને કારણે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. જમીન પર બુલડોઝર જોઈને વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો અને કેમ્પસમાં પ્રદર્શન શરુ કર્યું.
આપણ વાંચો: Navsari કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી હળદરની ત્રણ નવી જાતો, 40 ટન સુધી ઉત્પાદન મળશે…
વિદ્યાર્થીઓએ સ્થળ પર બુલડોઝર સામે પહોંચ્યા અને વિરોધ શરૂ કર્યો. સ્થિતિને કાબુમાં લેવા પોલીસ બોલાવવામાં આવી. વિદ્યાર્થીઓએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થીઓને બુલડોઝર પરત લઇ જવા માંગ કરી. પોલીસે 53 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હતા, જોકે તમામને છોડી દેવામાં આવ્યા હતા.
હૈદરાબાદ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયને પોલીસ કાર્યવાહીની ટીકા કરી અને કહ્યું કે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમની સાથે બળજબરી કરી હતી.
તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું આ જમીનનો ઉપયોગ શહેરમાં આઇટી પાર્ક બનાવવા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે.