હૈદરાબાદમાં સંપત્તિના વિવાદમાં ખેલાયો ખૂની ખેલઃ જાણીતા ઉદ્યોગપતિ પર પૌત્રએ છરીના 70 ઘા માર્યાં
![Grandson kills grandfather over property dispute in Hyderabad](/wp-content/uploads/2025/02/property-dispute-case.webp)
હૈદરાબાદ: સંપતિ વિવાદને લઈને હૈદરાબાદમાં ખૂની ખેલ ખેલાયો છે. હૈદરાબાદમાં સંપતિ વિવાદને લઈને 86 વર્ષીય ઉદ્યોગપતિની તેના જ 28 વર્ષીય પૌત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ગુરુવારની અડધી રાતે કરવામાં આવી હતી. સંપતિને લઈને દાદા સાથે થેલી માથાકૂટ બાદ હત્યા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પૌત્રએ જ કરી હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર હૈદરાબાદમાં 86 વર્ષીય ઉદ્યોગપતિની તેમના જ પૌત્ર દ્વારા મિલકતના વિવાદમાં ઘરમાં જ હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. પોલીસે રવિવારે માહિતી આપી હતી કે મૃતકને અનેક વખત છરીના ઘા મારવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટના 6 ફેબ્રુઆરીની રાત્રે બની હતી જ્યારે આરોપી કીર્તિ તેજાએ તેના દાદા વીસી જનાર્દન રાવ પર છરી વડે હુમલો કર્યો હતો. રાવ વેલજન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) હતા.
આરોપીએ માતાને પણ મારી છરી
હૈદરાબાદના પંજાગુટ્ટા પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપીની માતા વચ્ચે પડી તો આરોપીએ માતાને પણ છરી મારી દીધી હતી. ઘટનામાં આરોપીની માતાને પણ ઇજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શનિવારે હત્યારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી અને તેની માતા શહેરના બીજા વિસ્તારમાં રહે છે પણ તેઓ બુધવારે સોમાજીગુડામાં રાવના ઘરે ગયા હતા.
આ પણ વાંચો : શોકિંગઃ હૈદરાબાદમાં માતાના મૃત્યુથી હતાશ દીકરીઓ નવ દિવસ સુધી મૃતદેહ સાથે રહી…
70 થી વધુ વખત છરીના ઘા
પ્રાથમિક તપાસના આધારે પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ દાદા પર હુમલો કર્યો હતો. દાદા મિલકત વહેંચવાનો ઈનકાર કરતા હતા, આથી બંને વચ્ચે વિશેષ સંબંધ નહોતો. મૃતક પર કથિત રીતે 70 થી વધુ વખત છરીના ઘા મારવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જો કે આ અંગે પોલીસ અધિકારીઓ કહ્યું હતું કે ચોક્કસ સંખ્યા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પુષ્ટિ થશે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી તાજેતરમાં જ અમેરિકાથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરીને હૈદરાબાદ પાછો ફર્યો હતો.