હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીંના એક એપાર્ટમેન્ટમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. આ સિવાય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે માહિતી આપતા હૈદરાબાદ સેન્ટ્રલ ઝોનના ડીસીપી વેંકટેશ્વર રાવે જણાવ્યું હતું કે આ દુર્ઘટના હૈદરાબાદના નામપલીના બજારઘાટમાં બની હતી, જ્યાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં સ્થિત એક વેરહાઉસમાં આગ લાગી હતી. જેમાં છ લોકોના મોત થયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસનું કહેવું છે કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.