પતિ હોટેલમાં જમવા નથી લઈ જતો, ગુસ્સે ભરાયેલી પત્નીએ કરી આવી હરકત… | મુંબઈ સમાચાર
નેશનલ

પતિ હોટેલમાં જમવા નથી લઈ જતો, ગુસ્સે ભરાયેલી પત્નીએ કરી આવી હરકત…

બિહાર: પતિ-પત્ની વચ્ચેના વિવાદો કંઈ આપણા માટે નવા નથી, પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે ખરું જો પતિ કોઈ દિવસ પત્નીને હોટેલમાં જમવા ના લઈ જાય તો શું થાય? તમે બોલશો કે ભાઈ આમાં શું થાય વધુમાં વધુ પતિ-પત્ની વચ્ચે બબાલ થાય, ઝઘડા થાય એથી તો વધુ શું થશે? પણ જો કોઈ તમને કહે કે ભાઈ પતિ હોટેલમાં જમવા ના લઈ જતો હોવાને કારણે પત્નીએ એનું કાસળ કાઢી નાખ્યું તો તમને આ વાત માનવામાં આવે ખરી? નહીં ને? પણ આવું હકીકતમાં બન્યું છે.

બિહારના વૈશાલી જિલ્લાની આ ઘટના છે. આ પ્રકરણે પોલીસને રેલવે ટ્રેક નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ મુઝફ્ફરપુર ખાતે રહેતાં રાજવીરના લગ્ન 9 મહિના પહેલાં નિશા નામની મહિલા સાથે થયા હતા. રાજવીરના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નિશાને રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોવાથી તે સતત રાજવીરને હોટેલમાં જમવા લઈ જવાની વાત કરતાં હતા.

આ મુદ્દે બંને પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝઘડા અને વિવાદ થતાં હચા. આ જ વિવાદ અને હોટેલમાં લઈ જવાની જિદને કારણે જ નિશાએ રાજવીરની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ સિવાય પણ રાજવીરના પરિવારના લોકોએ નિશા પર જાત જાતના આક્ષેપો કર્યા છે અને તેમણે આપેલી માહિતી અનુસાર નિશાએ બહાનુ કરીને રાજવીરને તેના સાસરે બોલાવ્યો હતો ત્યાં તેણે પોતાના પરિવારની મદદથી રાજવીરની હત્યા કરી હતી.

રાજવીરના પરિવારની ફરિયાદ બાદ પોલીસે નિશા અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ બાબતની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ પ્રકરણે તપાસ કરીને એ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button