પિતા વિવાદમાં અને પુત્ર જેલમાં: કોન્સ્ટેબલને થપ્પડ મારવી હુમાયુ કબીરના દીકરાને પડી ભારે

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની પાર્ટી સાથે નાહવા-નિચોવવાના સબંધ પૂરા કર્યા બાદ બાબરી મસ્જિદના શિલાન્યાસથી વિવાદમાં સપડાયેલા વિધાનસભ્ય હુમાયુ કબીરનું નામ દેશમાં જાણીતું બન્યું છે. હવે હુમાયુ કબીરનો દીકરો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હુમાયુ કબીરના દીકરાએ કોન્સ્ટેબલને લાફો મારવાના પ્રકરણમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
હુમાયુ કબીરના દીકરા ગુલામ નબી આઝાદની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. ગુલામ નબી પર તેના પિતાની સુરક્ષામાં તૈનાત એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવાનો અને તેને લાફો મારવાનો ગંભીર આરોપ છે. આ ઘટનાને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં અવનવી ચર્ચાઓ જાગી છે.
મળતી વિગતો અનુસાર હુમાયુ કબીરની સુરક્ષામાં તૈનાત કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુલામ નબી આઝાદે તેની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. જ્યારે કોન્સ્ટેબલે રજાની માંગણી કરી ત્યારે ગુલામ નબી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી. વિવાદ એટલો વધ્યો હતો કે ધારાસભ્યના પુત્રએ ફરજ પરના પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો હતો, ત્યાર બાદ પીડિત કોન્સ્ટેબલે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગુનો નોંધાવ્યો હતો.
પોલીસે આ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા ગુલામ નબી આઝાદની અટકાયત કરી તેની ધરપકડ કરી હતી, જે સમયે આ ઘટના બની અને ધરપકડની કાર્યવાહી થઈ, ત્યારે ધારાસભ્ય હુમાયુ કબીર ઘરે હાજર નહોતા.
જોકે પુત્રની ધરપકડના સમાચાર મળતા જ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હુમાયુ કબીર તાજેતરમાં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નાખવાની જાહેરાતને કારણે રાષ્ટ્રીયસ્તરે વિવાદોમાં રહ્યા હતા.
આપણ વાંચો: મા તુઝે સલામ: LOC પર હાડ થીજાવતી ઠંડીમાં ભારતીય જવાનોની ‘જાબાંઝી’, જુઓ વાયરલ વીડિયો…



