દિવાળીમાં ગલગોટાની ખરીદીમાં જોરદાર વધારો, કમોસમી વરસાદથી ઉત્પાદન ઘટ્યું…

નવી મુંબઈ: લક્ષ્મી પૂજા, દિવાળી અને નવા વર્ષ નિમિત્તે વાશીની એપીએમસી માર્કેટ વિસ્તારમાં ગલગોટાના ફૂલોની ખરીદી પૂરજોશમાં થઈ રહી છે. વાશીની માર્કેટમાં હાલમાં નાશિક, પુણે, સાંગલી, શિરડી અને અહમદનગર વિસ્તારોમાંથી મોટી માત્રામાં ગલગોટા આવ્યા છે. ફૂલોના વિશેષ ધાર્મિક અને પરંપરાગત મહત્વને કારણે, માર્કેટમાં ફૂલોની મોટી માંગ છે.
એપીએમસીએ માર્કેટમાં ફૂલોની સો કરતાં વધુ ગાડીઓ પ્રવેશી હતી, અને આખું બજાર કેસરી-પીળા ગલગોટાથી ખીલી ઉઠ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયાના કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ગલગોટાના પાકને નુકસાન થયું છે.
ખાસ કરીને નાશિક, પુણે અને કોલ્હાપુર વિસ્તારોમાં ગલગોટા ઉગાડનારા ખેડૂતોને આ વર્ષે વરસાદથી ભારે ફટકો પડ્યો હતો. ઘણી જગ્યાએ પાક પાણીમાં ડૂબી ગયો હતો, પરિણામે, બજારમાં ઇચ્છિત ગુણવત્તાના ફૂલો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે.
આ પરિબળોની અસર ગલગોટાના ભાવ પર જોવા મળી રહી છે. હાલમાં, હલકી ગુણવત્તાવાળા ગલગોટા ૮૦થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે મોટા અને સારી ગુણવત્તાવાળા ગલગોટા ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ઉત્પાદન ઘટ્યું હોવા છતાં માંગ યથાવત્ છે.