પટણા જંક્શન નજીકની હોટેલમાં ભીષણ આગઃ મોટી જાનહાનિના સમાચાર
પટણાઃ પટણા રેલવે જંક્શન નજીકની હોટેલમાં અચાનક ભીષણ આગ લાગી છે. આ આગમાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પંદરથી વધુ લોકો દાઝ્યા પછી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
ગુરુવારે સવારના અગિયાર વાગ્યાના સુમારે આગ લાગ્યાના સમાચાર મળ્યા હતા, પરંતુ હોટેલમાં રાખવામાં આવેલા સિલિન્ડરને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. પાલ હોટેલ સિવાય પંજાબની નવાબી, બલબીર સાઈકલ વગેરે દુકાનોમાં આગ ફેલાઈ હતી. આગ લાગ્યા પછી આસપાસના વિસ્તારના સ્થાનિક લોકોએ બચાવ કાર્ય હાથ ધરાય તેના માટે દોડાદોડી કરી મૂકી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને અંકુશમાં લાવવાના પ્રયાસ કર્યા હતા, જ્યારે અનેક ફાયર વ્હિકલ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. શોર્ટ સર્કિટ અથવા ગેસ સિલિન્ડર લીક થવાને કારણે હોટેલમાં આગ લાગી હોઈ શકે છે. આગને નિયંત્રણમાં લાવ્યા છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં થયેલા નુકસાન અને આગનો ભોગ બનેલા લોકોની ઓળખ વિધિ ચાલુ છે, એમ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.
આ આગમાં અત્યાર સુધીમાં 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ અનેક લોકો ફસાયા છે, જેમને બહાર કાઢવાની કોશિશ કરી હતી. એક ડઝનથી વધુ લોકો હોટેલની છત પર ફસાયેલા છે, જ્યારે ઈજાગ્રસ્તમાંથી લગભગ ડઝનેક લોકોને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે, જેમાંથી ત્રણેક લોકોની હાલત ગંભીર છે.
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની આઠ ફાયર એન્જિને આગને નિયંત્રણમાં લેવામાં કલાકો લાગ્યા હતા, જ્યારે આ આગ લાગ્યા પછી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરી હતી, જેથી સ્થાનિક લોકોમાં દોડાદોડી થઈ હતી. મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે, જ્યારે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.