ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સરકારી મેડિકલ કૉલેજ-હૉસ્પિટલના વૉર્ડમાં આગ લાગવાથી દસ નવજાતના મોતની ખબરે આખા દેશને શોકગ્રસ્ત કર્યો છે. ત્યારે હૉસ્પિટલની બહાર માતા-પિતા અને સગાસંબંધીઓની રોક્કડ અને વલોપાતના દૃશ્યો કોઈને પણ ભાવુક કરી દે તેવા છે. એવામાં અહીં ગોવિંદદાસ નામના પ્રત્યક્ષદર્શીએ આગ લાગવાનું કારણ અલગ જ આપ્યુ છે. હૉસ્પિટલના સત્તાધારીઓ અને પોલીસ આગ લાગવાનું કારણ શૉટસર્કિટ જણાવે છે ત્યારે ગોવિંદદાસના કહેવા અનુસાર ઑક્સિજન સિલિન્ડરા પાઈપને ફીક્સ કરવા માટે દિવાસળી પેટવવામાં આવી હતી અને તેનાથી આગ લાગી હતી.
Also read: ઝાંસી હોસ્પિટલમાં આગ: PM મોદી, CM આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો, વળતરની જાહેરાત કરી
ગોવિંદદાસનો પૌત્ર પણ આ હૉસ્પિટલમાં દાખલ હતો. તેમના કહેવા અનુસાર જોતજોતામાં આગ ફેલાઈ ગઈ. તેમણે બે ચાર બાળકોને બહાર કાઢવામાં મદદ કરી. અન્ય લોકો પણ જોડાયા અને બાળકોને બહાર ખસેડ્યા. આ સાથે માતા-પિતા ફરિયાદો પણ કરી રહ્યા છે. એક આઠ દિવસના બાળકની મોટી માના કહેવા અનુસાર તેમનું બાળક ક્યાં છે તે કોઈ કહેતું નથી. બાળકની માતા હૉસ્પિટલમાં ભરતી છે. તેની તબિયત સારી નથી.
આવી જ બીજી એક મા રડતા રડતા કહે છે કે તેનું બાળક દસ દિવસનું છે. તે વૉર્ડની બહાર જ સૂતી હતી, આગ લાગતા અવ્યવસ્થા ઊભી થઈ, હવે તેનું બાળક તેને મળી રહ્યું નથી. એક મહિલા પોતાના બાળનો ચહેરો જોવા રડતા રડતા કહી રહી છે ને પછી બેહોશ થઈ પડી જાય છે.
Also read: ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત
હૉસ્પિટલની બહાર માતા-પિતા સંબંધીઓ એકઠા થઈ ગયા છે અને તેમનો રઝળપાટ ચાલુ છે. જેમના સંતાનો ઈજાગ્રસ્ત છે, તેઓ સારવાર માટે દોડી રહ્યા છે. વડા પ્રધાન શોકાંજલિ આપી છે અને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારે વળતર પણ જાહેર કર્યું છે, પરંતુ આ બધું જ જેને નવ મહિના કોખમાં સાચવી જન્મ આપ્યો તે જનેતાના દુઃખને તસુભાર પણ ઓછું કરી શકે તેમ નથી.