H-1B વિઝાના નવા નિયમોથી ભારતીય કર્મચારીઓ પર થશે કેવી અસર? | મુંબઈ સમાચાર
નેશનલ

H-1B વિઝાના નવા નિયમોથી ભારતીય કર્મચારીઓ પર થશે કેવી અસર?

નવી દિલ્હી: અમેરિકામાં H-1B વિઝા ધારકો માટે એક મોટી ચિંતા ઊભી થઈ છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ઘોષણા બાદ H-1B વિઝા માટે $100,000 એટલે કે લગભગ 88.10 લાખ રૂપિયા ફી લાગુ કરવામાં આવી છે. આ નિયમ તરત જ કાયદામાં ફેરવાઈ ગયો છે, જેની 21 સપ્ટેમ્બર 2025થી અમલવારી શરૂ થશે. અમેરિકામાં 70 ટકા કરતાં વધુ H-1B વિઝા ધારકો ભારતીય IT પ્રોફેશનલ્સ છે. ડૉનાલ્ડ ટ્રમ્પના આ નવા નિર્ણયથી તેમના પર કેવી અસર થશે? આવો જાણીએ.

કંપનીઓએ કર્મચારીઓને આપ્યો આદેશ

H-1B વિઝાનો નવો નિયમથી માત્ર સૌથી વધુ કુશળ, વરિષ્ઠ અથવા પ્રોજેક્ટ-ક્રિટિકલ કર્મચારીઓને જ નોકરી પર રાખવામાં આવશે. જૂનિયર અને મધ્યમ સ્તરના કર્મચારીઓ માટે આ એક મોટી કટોકટી ઊભી કરશે. $100,000ની ફી H-1B વિઝા ધારકોના દરેક નવા પ્રવેશ અને પુનઃપ્રવેશ પર લાગુ થશે. જો કોઈ H-1B કર્મચારી 21 સપ્ટેમ્બર પછી દેશ છોડે છે, તો તેમની કંપનીએ તેમની વાપસી માટે આ ફી ચૂકવવી પડશે. મોટાભાગની કંપનીઓ આટલી મોટી રકમ ઘણા કર્મચારીઓ માટે ચૂકવવાનો ઇનકાર કરી શકે છે. આ કારણે માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ કર્મચારીઓને તેમની મુસાફરીની યોજનાઓ રદ કરવાનો આદેશ આપ્યો છે.

નવી નોકરી શોધનારને થશે મુશ્કેલી

જે કર્મચારીઓની નોકરી જાય છે તેમને 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળશે, જેમાં તેઓ નવી કંપની શોધી શકે છે. પરંતુ નવી કંપનીએ પણ $100,000 ની ફી ચૂકવવી પડશે, જે તેમના માટે નવું કામ શોધવાનું મુશ્કેલ બનાવે છે. PERM (કાયમી રોજગાર માહિતી પ્રણાલી) ની પ્રક્રિયા કડક બની રહી છે અને ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોવી પડી શકે છે, જેનાથી કાયમી રહેઠાણનો માર્ગ વધુ અનિશ્ચિત બન્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પની આ ઘોષણામાં H-4 આશ્રિતોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ કંપનીઓ પરિવારોને યુએસમાં રહેવા અથવા તાત્કાલિક પાછા ફરવાની સલાહ આપી રહી છે, કારણ કે તેમના સ્ટેટસ પર પણ અસર થવાની ચિંતા છે.

ભારતીય IT કંપનીઓને થશે અસર

ઉલ્લેખનીય છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલું H-1B વિઝાના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યું છે. કારણ કે તેનાથી અમેરિકન કામદારોના વેતનમાં ઘટાડો થાય છે. નવા નિયમોમાં ફક્ત સૌથી કુશળ લોકોને જ મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નિયમો અમેરિકન શ્રમ વિભાગ દ્વારા શંકાસ્પદ અરજીઓનું ઓડિટ કરવા, ડેટા શેર કરવા અને દંડ લાદવા માટે પણ એક નવી પહેલ છે. આ નિર્ણયથી ઇન્ફોસિસ, TCS, કોગ્નિઝન્ટ, વિપ્રો જેવી ભારતીય IT કંપનીઓ તેમજ ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી અમેરિકન કંપનીઓ પણ પ્રભાવિત થશે.

આ પણ વાંચો…અમેરિકા H-1B વિઝાના નિયમો બદલશે: નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરશે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button