
અમદાવાદઃ વિક્રમ સંવત 2082નું વર્ષ શરૂ થઈ ગયું છે અને જ્યોતિષની દૃષ્ટિએ આ વર્ષ કપરું રહેવાની આગાહી કરાઈ રહી છે ત્યારે દેશના ટોચના નેતાઓ માટે જ્યોતિષીઓ શું આગાહી કરે છે એ જાણવામાં પણ લોકોને રસ છે. જ્યોતિ।ઓના મતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી વર્ષ પડકારજનક રહેશે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માટે આરોગ્યની સમસ્યાઓ સહિતના પડકારો સર્જાશે.
પીએમ નરેન્દ્ર મોદી માટે કેવું રહેશે નવું વર્ષ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે પણ નવું વર્ષ પડકારજનક હોવાનો જ્યોતિષીઓનો દાવો છે. બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આકસ્મિક મોટી સફળતા મળશે એવો જ્યોતિષીઓનો દાવો છે.
જ્યોતિષીઓની આગાહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સંવત 2082ની શરૂઆત ઘણી સારી રહેશે અને વર્ષની શરૂઆતમાં વૃશ્ચિકનો ગોચરનો મંગળ તેમને વધુ આક્રમક બનાવશે. માર્ચ 2026 સુધીનો સમય તેમના માટે ઘણો જ સારો રહેશે પણ એ પછી મોદી માટે પડકારો શરૂ થશે. સંવત 2082ના વર્ષ દરમિયાન મોદી પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થશે પણ જન્મના રાહુ, સૂર્ય ગોચરના શનિના ભ્રમણને કારણે પીડિત થતા હોઇ આરોગ્યની સમસ્યા આવી શકે છે.
અમિત શાહને રાખવું પડશે આરોગ્યનું ધ્યાન
27 ડિસેમ્બરે શનિ વક્રી ગતિમાંથી માર્ગી બનશે તેથી એપ્રિલ-મે 2026 દરમિયાન મોદીએ વિપક્ષોના તીખા પ્રહારનો સામનો કરવો પડે. બજેટના કારણે લોકોની નારાજગી અને ટીકાઓ સહન કરવી પડે. ચીનના કારણે પણ તેમને તકલીફ પડી શકે છે.
ગૃહમંત્રી અમિત શાહની કન્યા લગ્નની જન્મકુંડળીમાં સૂર્ય-શુક્ર તથા ચંદ્ર-મંગળનો પ્રબળ પરિવર્તન યોગ થયો છે. લગ્ને બુધ ધનસ્થાને છે એ સારું છે. હાલમાં તેમની ગુરુ-શનિની વિશોંત્તરી દશા-અંતર્દશા ચાલી રહી છે તેથી સત્તાસ્થાને ટકશે પણ દેશની આંતરિક સુરક્ષાના અનેક પડકારો ઊભા થશે. શનિ અને રાહુનું ગોચર ભ્રમણ 2082ના અંત ભાગે આરોગ્યના પ્રશ્નો પણ ઉભા કરશે.
રાહુલ ગાંધીને મળશે નવી ઓળખ
ઉત્તર પ્રદેશના ખમતીધર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે ગ્રહો બહુ અનુકૂળ નથી. હાલમાં ચંદ્ર ઉપરથી પસાર થતો ગોચરનો રાહુ તેમને હિતશત્રુઓથી પરેશન કરશે અને પક્ષમાં જ પ્રબળ વિરોધ ઉભો થશે. અલબત્ત યોગી તેમાંથી બહાર આવશે અને રાજકીય પ્રભાવ વધશે.
લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 1ના મૂળાંકમાં જન્મેલા છે. 19 એપ્રિલનો મૂળાંક 1 છે અને અધિપતિ ગ્રહ સૂર્ય છે. દસમા મકર-લગ્નમાં રાહુલનો જન્મ થયો છે તેથી લોકસભા સત્ર દરમિયાન રાહુલનો પ્રભાવ અને પ્રતિભા વર્તાશે. હાલમાં રાહુની વિશોંત્તરી મહાદશામાં બુધની આંતરદશા ચાલી રહી છે. જન્મના રાહુ પરથી ગોચરના રાહુનું ભ્રમણ રાહુલ ગાંધીને ભારે લોકપ્રિયતા અપાવશે. 10 નવેમ્બર 2025થી 10 માર્ચ 2026 સુધીનો સમય જનઆંદોલનના સહારે નવી ઓળખ અપાવશે. 1 જૂનથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાંથી ગોચર ભ્રમણ કરતો ગુરુ તેમને ઓચિંતી સફળતા અપાવશે. સંવત 2082નું વર્ષ તેમના માટે સંઘર્ષ અને સત્તા સાથે સતત ઘર્ષણમય રહેશે તેમ જણાય છે. તેમને દાંપત્યજીવનનું સુખ પણ અપાવી શકે છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી માહિતી સામાન્ય જ્યોતિષ જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)