અમેરિકાના 25 ટકા ટેરિફથી દર વર્ષે ભારતને થશે કેટલું નુકસાન?

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફના નવા દર લાગુ કરવા માટે વિશ્વના દેશોને 1 ઑગસ્ટ 2025 સુધીનો સમય આપ્યો છે. ત્યારે આજે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત છે. ટેરિફનો આ દર અન્ય દેશો સાથે થયેલી ટેરિફ ડીલ કરતા વધારે છે. 25 ટકા ટેરિફ પાછળ નિષ્ણાતો ભારતના રશિયા સાથેના સંબંધોને જવાબદાર ગણાવી રહ્યા છે. સાથોસાથ ટેરિફના આ રેટથી ભારતને દર વર્ષે નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
25 ટકા ટેરિફથી ભારતને કેવી રીતે થશે નુકસાન
સિટી રિસર્ચના માર્ચ મહિનાના અહેવાલમાં રેસીપ્રોકલ ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીએ ભારતના નિકાસ ક્ષેત્રમાં ઓટોમોબાઈલથી લઈને ખેતી સુધીની ચિંતા વધારી છે. જેનાથી અંદાજે વર્ષે લગભગ 7 અરબ ડૉલર એટલે કે લગભગ 61 કરોડ રૂપિયાનું નુકસાન થશે, એવું નિષ્ણાતોનું અનુમાન છે. જેમાં સૌથી વધુ નુકસાન કેમિકલ, મેટલ પ્રોડક્ટ્સ અને
જ્વેલરી ઉદ્યોગને થશે. ત્યારબાદ ઓટોમોબાઈલ, દવાઓ અને ખાદ્ય ઉત્પાદનોનો નંબર આવશે.
આ પણ વાંચો: ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવ્યો, જાણો ક્યારથી લાગુ પડશે?
ભારતની નિકાસમાં થશે ઘટાડો
2024માં ભારતની અમેરિકામાં લગભગ 74 અરબ ડૉલર વ્યાપારિક નિકાસ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 2023માં અમેરિકાએ ભારત પર 11 ટકા ભારિત સરેરાશ ટેરિફ લાદ્યો હતો. જે ભારતીય નિકાસ પરના એમેરિકાના ટેરિફથી લગભગ 8.2 ટકા વધારે છે. એક રિસર્ચ એજન્સીએ જણાવ્યું હતું કે, “જો ભારત પર ટેરિફ લાદવામાં આવે છે, તો નાણાકીય વર્ષ 2026માં ભારતની અમેરિકામાં નિકાસ 2 અરબ ડૉલરથી 7 અરબ ડૉલર સુધી ઓછી થઈ શકે છે.”
અન્ય દેશો કરતા વધારે ટેરિફનું કારણ શું?
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ અન્ય દેશો સાથે કરેલી ટેરિફ ડીલ કરતા ભારત પર વધારે ટેરિફ લાદ્યો છે. અમેરિકાએ જાપાન પર 15 ટકા, વિયતનામ પર 20 ટકા, ઇન્ડોનેશિયા પર 19 ટકા, યુરોપ પર 15 ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની પાછળ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતના ઉંચા દામ, રશિયા પાસેથી વધારે સૈન્ય ઉપકરણો અને ઊર્જાની ખરીદીની સાથોસાથ બિન-નાણાકીય વેપાર અવરોધોનો જવાબદાર ગણાવ્યા છે.