દુનિયાની જેલમાં કેટલા કેદ છે ભારતીય નાગરિકો, જાણો સરકારનો રિપોર્ટ?
પડોશી દેશ પાકિસ્તાનમાં કેટલા છે કેદી?

નવી દિલ્હીઃ અમેરિકા પછી બ્રિટને પણ ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે વિદેશમાં વસતા ગેરકાયદે પ્રવાસીઓ અને જેલમાં રહેનારાની સંખ્યા કેટલી હોય એના અંગે કેન્દ્ર સરકારે મહત્ત્વની માહિતી આપી હતી.
તૃણમૂલ કોંગ્રેસના સાકેત ગોખલેએ સરકારને પૂછ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોમાં કેટલા ભારતીય નાગરિકો કેદ છે. આ પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર વિશ્વના વિવિધ દેશોમાં કુલ 10,152 ભારતીય નાગરિકો બંધ છે, જેમાં 2,684 અન્ડરટ્રાયલ કેદી છે.
સાઉદી અરેબિયાની જેલમાં સૌથી વધુ 2,633 ભારતીય નાગરિકો કેદ છે. અમેરિકાની જેલમાં માત્ર 169 ભારતીય નાગરિકો બંધ છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં 266 તો નેપાળમાં 1,317 ભારતીય નાગરિકો જેલોમાં બંધ છે.
ભારતના અન્ય પાડોશી શ્રીલંકામાં 98 ભારતીય નાગરિકો, બાંગ્લાદેશમાં માત્ર ચાર ભારતીય નાગરિકો કેદ છે. ચીનમાં 173 અને ભૂટાનમાં 69 ભારતીય નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાઉદી અરેબિયાની જેલોમાં સૌથી વધુ 1226 અન્ડરટ્રાયલ કેદીઓ બંધ છે. તે જ સમયે 294 ભારતીય નાગરિકો UAEની જેલોમાં અન્ડરટ્રાયલ કેદી તરીકે બંધ છે.
આપણ વાંચો: અમેરિકા પછી હવે બ્રિટન બનશે આક્રમકઃ ‘ગેરકાયદે’ પ્રવાસીઓ પર લટકતી તલવાર…
આપણે ભારતના પડોશીઓ વિશે વાત કરીએ તો, 27 ભારતીય નાગરિકો પાકિસ્તાનની જેલમાં અંડરટ્રાયલ કેદી તરીકે બંધ છે. બાંગ્લાદેશમાં ચાર ભારતીય નાગરિકો, ભૂટાનમાં આઠ, શ્રીલંકામાં 44, મ્યાનમારમાં છ અને ચીનમાં 95 અંડરટ્રાયલ કેદીઓ તરીકે બંધ છે.
અમેરિકાએ ગયા અઠવાડિયે જ 104 ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા છે. અમેરિકા આગામી દિવસોમાં આવા જ કેટલાક ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવા જઈ રહ્યું છે.