કયા મુખ્ય પ્રધાન સામે કેટલા કેસ? આ રાજ્યના મુખ્ય પ્રધાનનો છે પહેલો નંબર

નવી દિલ્હી: લીકર પોલિસી કૌંભાડ અને મની લોન્ડરિંગ કેસને લઈને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પોતાના કાર્યકાળ દરમિયાન પાંચ મહિના માટે તિહાર જેલમાં જવું પડ્યું હતું. જોકે, તેઓ એવા પહેલા મુખ્ય પ્રધાન હતા, જેમની તેના કાર્યકાળ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જેલમાં રહીને સરકાર ચલાવી હતી. પરંતુ હવેથી આવું કોઈ મુખ્ય પ્રધાન ન કરે તે માટે કેન્દ્ર સરકાર એક બંધારણીય સુધારાનું બિલ લાવી છે.
દક્ષિણ ભારતના મુખ્ય પ્રધાનો સામે સૌથી વધુ કેસ
ચોમાસુ સત્રમાં ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં બંધારણ (130મું સંશોધન) બિલ 2025 રજૂ કર્યું હતું. આ બિલ અનુસાર જો કોઈ વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન 30 દિવસથી વધારે જેલમાં રહે છે તો તેને તે પદ પર રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને હટાવવાનો અધિકાર આપવામાં આવશે. જોકે, આ બિલ સંસદમાંથી પસાર થઈ શક્યું નથી. જો આ બિલ પસાર થાય તો ક્રિમિનલ કેસ ધરાવતા મુખ્ય પ્રધાનનોનું પદ જોખમમાં મુકાઈ શકે છે.
તાજેતરમાં ચૂંટણી અધિકાર સંગઠન(ADR)નો એક અહેલાલ આવ્યો છે. જેમાં કયા રાજ્યના મુખ્ય પ્રધાન સામે કેટલા ક્રિમિનલ કેસ છે, તે જણાવવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 ક્રિમિનલ કેસ છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન સામે 47 ક્રિમિનલ કેસ છે. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સામે 19 તથા કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સામે 13 ક્રિમિનલ કેસ છે.
ગંભીર ક્રિમિનલ કેસ ધરાવે છે 33 ટકા મુખ્ય પ્રધાન
આ સિવાય ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન સામે 5, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સામે 4-4, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સામે 2 તથા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સામે 1 ક્રિમિનલ કેસ છે. આ એવો ડેટા છે, જે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે ચૂંટણી પંચને આપવામાં આવ્યો હતો.
ચૂંટણી અધિકાર સંગઠનના અહેવાલ અનુસાર દેશના 40 ટકા મુખ્ય પ્રધાનો સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે. 33 ટકા મુખ્ય પ્રધાનો એવા છે. જેમની સામે હત્યાનો પ્રયાસ, અપહરણ. લાંચ અને ફોજદારી ધમકી જેવા ગંભીર ક્રિમિનલ કેસનો સમાવેશ થાય છે.