MMS લીક કઇ રીતે થાય છે? તેનાથી બચવા શું કરવું?
MMS લીક… તમે અવારનવાર મીડિયામાં MMS લીકના સમાચારો જોયા હશે.. અહીં સવાલ એ ઉભો થાય છે કે આ MMS લીક કઇ રીતે થાય છે..કોઇના ફોનમાંથી પ્રાઇવેટ વીડિયો લીક થાય એ અત્યંત ગંભીર ઘટના છે. આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા પાછળ ક્યાંકને ક્યાંક બદલાની ભાવના છુપાયેલી હોય છે. આ લેખમાં તેના કેટલાક સંભવિત કારણો અંગે ચર્ચા કરીશું જેના કારણે MMS લીક થતા હોય છે.
આ ટર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના આવ્યા બાદ વધારે ચર્ચામાં રહી છે. જ્યારે કોઇ વ્યક્તિ પોતાના પાર્ટનરની માહિતી તેને જાણ કર્યા વગર સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી લીક કરી દે તો તેને રિવેન્જ પોર્ન કહેવાય છે. 2 પાર્ટનર વચ્ચે જ્યારે નકારાત્મક લાગણીઓને કારણે બદલાની ભાવના વિકસે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે. જો કે આવા સંજોગોમાં કેટલીક સાવધાની કેળવીએ તો રિવેન્જ પોર્નથી બચી શકાય છે.
સૌથી પહેલા તો તમારે એ ધ્યાનમાં રાખવું પડે કે તમારો પાર્ટનર તમારી અંગત પળોને કેમેરામાં કેદ તો નથી કરી રહ્યો. તેને ક્યારેય તમારા ‘આપત્તિજનક’ ફોટો અથવા વીડિયો લેવાની પરવાનગી ન આપો. હાલના ડેટિંગના સમયમાં ઘણા છોકરા છોકરીઓ પોતાના અંગઉપાંગોના ફોટો-વીડિયો પોતાના પાર્ટનરને શેર કરતા હોય છે. તેવામાં આગળ જતા તેનો કોઇ ગેરઉપયોગ નહિ થાય તેની કોઇ ખાતરી નથી. તમારા પોતાના ફોનનો પાસવર્ડ અથવા પેટર્ન પણ તેને ન જણાવશો. તેને કહો કે તે તમારી પ્રાઇવસીનું સન્માન જાળવે.
ક્યારેક ફોન ખરાબ થઇ જાય અને તેને દુકાનમાં રિપેરિંગ માટે આપતા હોવ તેવા સંજોગોમાં પણ અંગત પળોમાં લીધેલા ફોટો-વીડિયો લીક થઇ જવાની શક્યતાઓ છે. જો ફોન ચોરી થઇ જાય, કોઇ ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિના હાથમાં આવી જાય ત્યારે પણ તેમાં રહેલા ફોટો અને વીડિયોનો ખોટો ઉપયોગ થઇ શકે છે.
આ સિવાય પણ જ્યારે તમારો ફોન હેક થઇ જાય ત્યારે પણ ફોનની અંદરના ડેટા સહિત ફોટો-વીડિયો લીક થઇ શકે છે. અથવા લીક કરવાની ધમકી આપીને ફોન હેક કરનાર વ્યક્તિ પૈસાની માગણી કરી શકે છે.
આ બધી પ્રવૃત્તિઓ સાયબર ક્રાઇમનો ભાગ છે અને છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. અને હવે તેમાં AI ટેકનોલોજી પણ ભાગ ભજવી રહી છે. AI અને ડીપફેક ટેકનોલોજીની મદદ લઇને અનેક લોકો બાળકો અને સેલિબ્રિટીઝના સેક્સ્યુઅલ વીડિયો ક્રિએટ કરી શકે છે.
ઇન્ટરનેટની દુનિયામાં પોતાની પર્સનલ લાઇફની ફજેતી થતી બચાવવાનો સૌથી કારગર ઉપાય છે કે પર્સનલ લાઇફને પ્રાઇવેટ જ રાખવી. શક્ય હોય ત્યાં સુધી વધુ પડતા ફોટા-વીડિયો શેર ન કરવા. જો કે આવું તમામ લોકો ન કરી શકે પરંતુ જો કરી શકાય તો આ જ બેસ્ટ છે. જો સોશિયલ મીડિયામાં ફૂટપ્રિન્ટ જ નહિ હોય તો વાઇરલ કરવા માટે શું મળી શકવાનું હતું? આ સિવાય, તમારા પાર્ટનરને ક્યારેય ખાનગી તસવીરો ન મોકલો. વીડિયો કોલમાં સ્ક્રીનશોટ લેવાની પણ પરવાનગી આપશો નહિ. એવી કોઇ જ પ્રકારની પ્રવૃત્તિ કે જેનાથી તમને ભવિષ્યમાં નુકસાનની આશંકા હોય તેનાથી બચો.