હુતી બળવાખોરો દ્વારા ફરીથી એડન ખાડીમાં વ્યાપારી જહાજ પર હુમલો

નવી દિલ્હી: યમનના હુતી બળવાખોરે ( Houthis) ફરી એકવાર એડનના અખાતમાંથી પસાર થનાર વેપારી જહાજને નિશાન બનાવ્યું છે. વહાણને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને આથી જહાજમાં આગ લાગી ગઇ હતી. જો કે આ માર્ગ પરથી પસાર થનાર જહાજને નિશાન બનાવવામાં આવ્યું હોય તેવો તાજેતરનો આ પ્રથમ કિસ્સો છે. હાલમાં જ હુતી બળવાખોરોએ બ્રિટનના એક માળવાહક જહાજ પર હુમલો કર્યો હતો અને તે ડૂબી ગયું હતું. જો કે તે હુમલામાં એક નાવિકનું મોત થયું હતું, જ્યારે આ હુમલામાં કોઈને જાનહાનિ નથી થઈ.
જો કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે બ્રિટિશ માલવાહક જહાજ tutor પર થયેલી હુમલાની ઘટના એ વાતનો સ્પષ્ટ સંકેતો આપી રહી છે કે મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર ઈરાન સમર્થિત હુતીઓ દ્વારા હુમલાઓ તેજ થઈ ગયા છે. જો કે આ દરમિયાન અમેરિકન અધિકારીઓએ કથિત હુતી હુમલાઓ પર જવાબી કાર્યવાહી માટે મોકલવામાં આવેલ વિમાનવાહક જહાજ USS Dwight D. Eisenhower (CVN-69)ને પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હુતીઓએ મોડી રાત્રે એડનની ખાડીમાંથી પસાર થતા આ જહાજ પર હુમલો કર્યો હતો. જો કે સદનસીબે મોટી જાનહાનિમાંથી બચાવ થયો છે. બ્રિટનના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટર (UKMTO) એ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે હુમલો કરવામાં આવેલા જહાજના કેપ્ટને જહાજ પરના વિસ્ફોટને ખૂબ જ નજીકથી જોયો હતો. UKMTOએ જણાવ્યું હતું કે ક્રૂ સલામત છે અને જહાજ નજીકના બંદર તરફ જઈ રહ્યું છે. જો કે, તેણે જહાજને કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે માહિતી આપી નથી.