ઓહ બાપ રે! દેશમાં સૌથી ગરમ મહારાષ્ટ્રના આ ગામમાં 43 ડિગ્રી તાપમાન, જાણો રાજકોટ સહિત દેશનું તાપમાન

નવી દિલ્હી: દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવે ગરમીએ બરાબર જમાવટ કરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના જેઉરમાં (સોલાપુર) સૌથી વધુ ગરમી નોંધવામાં આવી છે. અહી મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 40.6, રાજકોટમાં 42.1, રાજસ્થાનના ફલોદીમાં 41.4, મધ્યપ્રદેશના રતલામમાં 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, માહે અને કેરળના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. આગામી 24 કલાક દરમિયાન અહીંનું વાતાવરણ યથાવત્ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કર્ણાટક, તમિલનાડુ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ સ્થળોએ 11 એપ્રિલ સુધી લૂ ચાલુ રહેશે. તે જ સમયે, બિહારમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે. આ સિવાય દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં ગરમીની અસર જોવા મળી શકે છે પરંતુ લૂ નહીં હોય.
Also Read:ભીષણ ગરમી અને હિટવેવના કારણે AMCએ સ્કૂલના સમયમાં કર્યો ફેરફાર, જાણો વિગત
દેશના અનેક રાજ્યોમાં ગરમી જોવા મળી રહી છે ત્યારે કેટલીક જગ્યાએ વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 અને 14 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ/બરફ પડવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 13 એપ્રિલે છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. રાજસ્થાનમાં 13 એપ્રિલે ધૂળની ડમરીઓ અથવા તોફાન (50-60 kmph થી 70 kmphની ઝડપે) આવવાની શક્યતા છે.
10 એપ્રિલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને કરા પડવાની પણ સંભાવના છે. 13-16 એપ્રિલ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.