હોટલ સંચાલકે ડિપ્રેશનમાં આવીને કર્યો આપઘાત, મરતા પહેલા દોસ્તો માટે મુકતો ગયો ગીફ્ટ
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાંથી આ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક હોટલ સંચાલકે ડિપ્રેશનમાં આવીને પોતાની જાતને ગોળી મારી દીધી હતી. આ સાથે જ તેણે સાત પાનાની સુસાઇડ નોટ પણ લખી છે જેમાં અંતિમ પગલું ભરવા માટે તેણે પોતાની જાતને જ જવાબદાર ઠેરવી છે. ઉપરાંત તે મરતા પહેલા ઘરની દિવાલો પર મેસેજ પણ લખતો ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસે તરત તપાસ શરૂ કરી હતી.
મૃતકના પરિવારમાં માતા અને ભાઇ છે જે ઘટના સમયે અન્ય રૂમમાં હતા અને આદિત્યએ નીચેવાળા રૂમમાં પોતાને ગોળી મારી હતી. સુસાઇડ નોટમાં તેણે લખ્યું છે કે તેણે 7 વર્ષ પહેલા જ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો હતો. આત્મહત્યા પહેલા આદિત્યએ ટીવી દરવાજા સહિત સામાન પર મેસેજ લખ્યા અને કહ્યું કે મારા મરવાના સમાચાર સૌથી પહેલા પોલીસને કરજો, મારા કોઇ સામાનને હાથ ન લગાવતા, સુસાઇડ નોટમાં તેણે પોતાને સિદ્ધુ મૂસેવાલાનો ચાહક ગણાવ્યો હતો.
એક વાદળી રંગની થેલી પર આદિત્યએ લખ્યું હતું કે આમાં કેટલાક ગીફ્ટસ છે જે મેં મારા મિત્રો માટે ખરીદ્યા છે. એ મારા મિત્રોને આપી દેજો. પોલીસે તેની બંદૂક સહિત સામગ્રીઓ કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.