મધ્યપ્રદેશના મંદસૌરમાં ગમખ્વાર અકસ્માત, કાર કૂવામાં ખાબકી 12 લોકોના મોત

મંદસૌર: મધ્યપ્રદેશના મંદસૌરમાં આજે રવિવારે બપોરે એક ગમખ્વાર આકસ્માત (Mandsaur car accident) સર્જાયો હતો. પુરપાટ વેગે દોડતી એક ઇકો કાર બેકાબુ થઇને રોડની બાજુના ખેતરમાં આવેલા કૂવામાં ખાબકી. એ પહેલા ગાડીએ એક બાઈકને ટક્કર મારી. આ ઘટનામાં કુલ 12 લોકોના મોત નીપજ્યા છે.
અહેવાલ મુજબ આ અકસ્માત મંદસૌરના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે રવિવારે બપોરે 1 વાગ્યાના અરસામાં બન્યો હતો. પુરપાટ વેગે દોડતી ઇકો કાર પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વધુ પડતી ઝડપ અને આગળ વળાંક હોવાને કારણે, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે આ અકસ્માત થયો.
બચાવવા પડેલા યુવકનું પણ મોત:
ઇકો કારે પહેલા એક બાઇકને ટક્કર મારી ત્યાર બાદ કૂવામાં ખાબકી. ટક્કરને કારણે બાઇક સવારનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર કૂવામાં પડી ગઈ, ત્યારે LPG ગેસ લીક થવા લાગ્યો, જેના કારણે કારમાં સવાર લોકોને ગૂંગળામણ થવા લાગી. એક સ્થાનિક યુવકે કારમાં સવાર લોકોને બચાવવા માટે કૂવામાં કુદકો માર્યો, પરંતુ ગેસને કારણે શ્વાસ રૂંધાવાથી તેનું મોત નીપજ્યું.
આપણ વાંચો: પહલગામ હુમલા મુદ્દે ભારતના એક્શનથી પાકિસ્તાનની ઊંઘ હરામઃ રશિયા-ચીનને કરી આવી આજીજી
ત્રણનો આબાદ બચાવ:
અકસ્માત બાદ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ કાર્ય માટે જેસીબીની મદદ લેવી પડી હતી. એક મહિલા, એક નાની છોકરી અને એક કિશોરીને બચાવી લેવામાં આવ્યા છે, ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.
અકસ્માતની માહિતી મળતા જ નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડા, કલેક્ટર, એસપી, એડિશનલ એસપી, એસડીઓપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.