નેશનલ

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર, ઉપરાષ્ટ્રપતિને મળ્યા, કાલે SCO સમિટમાં આપશે હાજરી

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનના પ્રવાસે છે. સિંગાપોરથી બેઇજિંગ પહોંચેલા જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ ગલવાન ખીણમાં 2020ની હિંસક ઘટના બાદ પહેલી ચીન મુલાકાત છે.

ચીનના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત

વિદેશમંત્રીએ બેઇજિંગમાં ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથેની મુલાકાતની તસવીરો શેર કરી અને જણાવ્યું કે તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)માં ચીનની અધ્યક્ષતાને ભારતનું સમર્થન આપે છે. તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો હોવાનું પણ નોંધ્યુ. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રવાસ દરમિયાન ચર્ચાઓ સકારાત્મક રહેશે.

દ્વિપક્ષીય સંબંધોની 75 વર્ષની ઉજવણી

વધુમાં તેમણે જણાવ્યું કે ભારત અને ચીનના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. કૈલાસ માનસરોવર યાત્રાને ફરી શરૂ કરવાના નિર્ણયનું ભારત આવકારે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોના સંબંધો સામાન્ય થવાથી બંનેને ફાયદો થશે. વૈશ્વિક પરિસ્થિતિની જટિલતાને ધ્યાનમાં રાખીને, પડોશી દેશો અને મહત્વની અર્થવ્યવસ્થાઓ તરીકે ભારત-ચીન વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન મહત્વપૂર્ણ છે.

મંગળવારે તેઓ તિયાનજિનમાં એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચામાં નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવ ઘટાડવા, સરહદે શાંતિ જાળવવા અને વેપાર-રોકાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થશે. આ પહેલા, જયશંકરે સિંગાપોરમાં ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેઝ સંમેલનમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો….ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સિંગાપોરના નાયબ વડા પ્રધાને મળ્યા, કહ્યું ભારતના રોકાણ દ્વિપક્ષીય સબંધો મજબૂત કરશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button