POKથી અયોધ્યા વાયા બ્રિટન આવ્યું રામલલ્લા માટે પવિત્ર જળ, સ્થાનિક મુસલમાને આ રીતે કરી મદદ
Ayodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ યુવાને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એટલે કે POKની સ્થિત શારદાકુંડનું પવિત્ર જળ બ્રિટનના રસ્તે ભારત મોકલાવ્યું હતું.
‘સેવ શારદા કમિટી કાશ્મીર-SSCK’ સંસ્થાના સ્થાપક રવિંદર પંડિતાએ આ વિશે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2019ના પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડવાને પગલે ટપાસ સેવા સ્થગિત થઇ ગઇ છે. જેને પગલે પવિત્ર જળને વાયા બ્રિટન થઇને ભારત સુધી પહોંચાડવું પડ્યું.
POKમાં રહેતા તનવીર અહેમદ અને તેમની ટીમ દ્વારા શારદા પીઠમાં આવેલા શારદા કુંડના પવિત્ર જળને એકત્ર કરવામાં આવ્યું હતું, ત્યાંથી LOC પાર નાગરિક સમાજના સભ્યો તેને ઇસ્લામાબાદ લઇ ગયા હતા અને ત્યાંથી તનવીરની પુત્રી મગરિબીને બ્રિટન કુરિયર કરવામાં આવ્યું હતું. બ્રિટનથી મગરિબીએ કાશ્મીર પંડિતો માટે સેવાકાર્યો કરતા સોનલ શેરને સોંપવામાં આવ્યું. તેઓ બ્રિટનથી જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે રવિંદર પંડિતાને દિલ્હી સુધી આ જળ પહોંચતું કર્યું હતું.
POK સ્થિત શારદા પીઠ વર્ષ 1948થી જ દુર્ગમ હાલતમાં છે. ‘સેવ શારદા કમિટી કાશ્મીર-SSCK’ સંસ્થા દ્વારા આ શારદા પીઠની જાળવણીનું કાર્ય કરવામાં આવે છે, POKમાં તેમના દ્વારા સ્થાપિત નાગરિક સમાજ તેમને આ કાર્યમાં મદદ કરે છે.
પંડિતાએ ઉમેર્યું હતું કે એ ગર્વની વાત છે કે તનવીર અહેમદ અને તેમની ટીમ દ્વારા શારદા પીઠની માટી, શિલાઓ તથા કુંડમાંથી પવિત્ર જળ મોકલાવ્યું છે. આ જળ વીએચપીના સભ્યોને આપવામાં આવ્યું હતું, અને તેમણે અયોધ્યા રામમંદિરના વરિષ્ઠ અધિકારી કોટેશ્વર રાવને સોંપ્યું હતું. ‘સેવ શારદા કમિટી કાશ્મીર-SSCK’ સંસ્થાના સભ્યો દ્વારા પણ કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલમાં નિયંત્રણ રેખાની પાસે આવેલા શારદા મંદિરમાં રામમંદિરના કાર્યક્રમ નિમિત્તે દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવશે.