નેશનલ

જાણો 25 નવેમ્બરે શું છે ખાસ? જ્યારે અયોધ્યા રામ મંદિર પર પહેલી વખત થશે ધર્મ ધ્વજારોહણ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, અને હવે ધર્મ ધ્વજારોહણનો સમય આવી ગયો છે. 25 નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ભગવા વિજય ધ્વજને લહેરાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ ખાસ દિવસને સમગ્ર દેશમાં વિવાહ પંચમીના પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. જ્યોતિષીઓ અને અયોધ્યાના સાધુ-સંતોના મતે, આ ધ્વજારોહણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ‘અભિજીત મુહૂર્ત’માં કરવામાં આવશે, જેનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. આ કાર્યક્રમ માત્ર મંદિરના નિર્માણની પૂર્ણતા જ નહીં, પરંતુ રઘુકુળની મહાન પરંપરાઓના પુનર્સ્થાપનનો પ્રતીક પણ બનશે.

25 નવેમ્બરની તારીખ ધર્મ ધ્વજારોહણ માટે શા માટે પસંદ કરવામાં આવી છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે. અયોધ્યાના સાધુ-સંતોના જણાવ્યા અનુસાર, ત્રેતા યુગમાં ભગવાન રામ અને માતા જાનકી (સીતા)ના વિવાહ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ થયા હતા. 25 નવેમ્બરના રોજ પણ આ જ પંચમી તિથિ છે, જેને દર વર્ષે વિવાહ પંચમી તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે હિંદુ પંચાંગમાં સૌથી વધુ વિવાહના શુભ મુહૂર્તો આવે છે.

આ ઉપરાંત, ધ્વજારોહણ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે, જેનો સમય સવારે 11 વાગ્યે 45 મિનિટથી લઈને બપોરે 12 વાગ્યે 29 મિનિટ સુધીનો રહેશે. માન્યતા છે કે ભગવાન રામનો જન્મ પણ આ જ અભિજીત મુહૂર્તમાં થયો હતો, આ કારણે આ સમય ધ્વજારોહણ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

25 નવેમ્બરના રોજ મંગળવાર છે, અને આ દિવસ અનેક કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સંતોના મતે, ભગવાન રામનો જન્મ ચૈત્ર માસની નવમી તિથિ પર થયો હતો અને તે દિવસે પણ મંગળવાર જ હતો. એટલું જ નહીં, ત્રેતા યુગમાં જ્યારે ભગવાન રામ અને માતા સીતાના વિવાહ સંપન્ન થયા હતા, તે પાવન પંચમી તિથિ હતી અને તે સમયે પણ મંગળવારનો જ દિવસ હતો. ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ પણ મંગળવારના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. આ તમામ ધાર્મિક કારણોને લીધે, મંગળવારનો દિવસ રામભક્તો અને સનાતન ધર્મના અનુયાયીઓ માટે અત્યંત શુભ અને ઊર્જાથી ભરપૂર ગણાઈ રહ્યો છે.

રામ મંદિર પર ધ્વજારોહણનું આધ્યાત્મિક મહત્વ

25 નવેમ્બરના રોજ રામ મંદિર પર લહેરાવવામાં આવનારો આ ધ્વજ માત્ર ભગવાન રામ પ્રત્યે ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે અયોધ્યાના સૂર્યવંશ અને રઘુકુળ જેવી મહાન પરંપરાઓનો સાક્ષી પણ બનશે. વાલ્મિકી રામાયણ અને રામચરિતમાનસ બંનેમાં ધ્વજ, પતાકા અને તોરણોનું વર્ણન ખૂબ જ ભવ્યતા સાથે કરવામાં આવ્યું છે. જો ત્રેતા યુગનો ઉત્સવ રાઘવના જન્મનો હતો, તો કલિયુગનો આ સમારોહ તેમના મંદિર નિર્માણની પૂર્ણતાની ઘોષણા છે. રઘુકુળ તિલકના મંદિર શિખર પર જ્યારે આ ધર્મ ધ્વજા લહેરાશે, ત્યારે તે સમગ્ર વિશ્વને એવો સંદેશ આપશે કે અયોધ્યામાં ‘રામરાજ’ની પુનર્સ્થાપના થઈ ચૂકી છે.

આપણ વાંચો:  નવા સીમાંકનમાં બેઠકો વધશે છતાં રાજકીય પકડ અકબંધ! કેન્દ્ર સરકારે દક્ષિણ ભારતના રાજ્યોની ચિંતા દૂર કરી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button