Top Newsનેશનલ

બિહારમાં પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન, જાણો કોને થઈ શકે છે ફાયદો

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીનું ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાન એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. 121 સીટ પર થયેલા મતદાનમાં મતદારોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં સરારે 64.69 ટકા મતદાન થયું હતું. જે 2020ની તુલનાએ 8 ટકા વધારે હતું. આ ઉપરાંત બિહારના ઈતિહાસમાં પ્રથમ તબક્કાનું સૌથી વધારે મતદાન હતું. વર્ષ 2020માં પ્રથમ તબક્કામાં 56.1 ટકા, 2015માં 55.9 ટકા અને 2010માં 52.1 ટકા મતદાન થયું હતું.

ગત ચૂંટણી કરતા 36 લાખ વધુ મતદારોએ કર્યું મતદાન

આ વખતે ગત ચૂંટણીના પ્રથમ તબક્કા કરતાં 36 લાખ વધારે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 2020માં પ્રથમ તબક્કામાં 3.70 કરોડ મતદારો હતા, જેમાંથી 2.06 કરોડે મતદાન કર્યું હતું. પરંતુ આ વખતે પ્રથમ તબક્કામાં કુલ 3.75 કરોડ મતદારો હતા. જે ગત વર્ષ કરતાં 5 લાખ વધારે હતું. 64.69 ટકાના હિસાબે આ વર્ષે 2.42 કરોડ લોકોએ મતદાન કર્યું હતું.

રાજકીય વિશ્લેષકોમાં શું શરૂ થઈ ચર્ચા

હવે રાજકીય વિશ્લેષકોમાં વધારે વોટિંગથી કોને ફાયદો થશે તેની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં સામાન્ય રીતે એવું માવામાં આવે છે કે જ્યારે વધારે વોટિંગ થાય છ ત્યારે લોકો બદલાવ ઈચ્છે છે. પરંતુ દર વખતે આમ થતું નથી. ક્યારેક વધુ મતદાનનો મતલબ સરકારને સમર્થન પણ હોય છે.

રસપ્રદ પેટર્ન: વધુ મતદાન અને સત્તાની વાપસી

જો છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો એક રસપ્રદ પેટર્ન સામે આવે છે. ઘણા રાજ્યો એવા છે જ્યાં વધુ મતદાન ટકાવારી હોવા છતાં સરકારે ફરીથી સત્તા મેળવી હતી. 2023માં મધ્ય પ્રદેશમાં 77 ટકા મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણી કરતાં 2.08 ટકા વધુ હતું અને ભાજપે સરકાર બચાવી લીધી હતી. ઓડિશામાં 2014માં 73.65 ટકા મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણી કરતાં 8.35 ટકા વધુ હતું. તેમ છતાં, સત્તાધારી બીજેડીએ (BJD) ફરીથી સત્તા મેળવી હતી.

ગુજરાતમાં 2012ની ચૂંટણીઓમાં 11.53 ટકા વધુ વોટ પડ્યા હતા. તેમ છતાં, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વાપસી થઈ હતી. 2010માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં 6.82 ટકા વધુ વોટ પડ્યા હતા. ત્યારે પણ જનતા દળ (યુનાઇટેડ) વાળા ગઠબંધનની સત્તામાં વાપસી થઈ હતી. એટલે કે, વધારે પડતું મતદાન (બમ્પર વોટિંગ) હંમેશા એન્ટિ-ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર) અને સત્તા પરિવર્તનનો સંકેત નથી આપતું. આ જનતાના મૂડ અને મુદ્દાઓ પર નિર્ભર કરે છે.

આ પણ વાંચો…બિહારમાં મતદાન વચ્ચે છમકલું ! લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાનના કાફલાને ઘેર્યો, ચપ્પલ ફેંકાઈ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button