
ઢાંકા: બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસાની આગ હવે નિર્દોષ લઘુમતી સમુદાયના યુવાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા જુદા ભાગોમાં નિર્દોષ હિન્દુ પરિવારો અને વ્યવસાયીઓ પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેના કારણે લઘુમતી સમુદાયમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ હિંસા માત્ર સંપત્તિના નુકસાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ હવે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મોનિરામપુર વિસ્તાર રાણા પ્રતાપ વૈરાગી નામના એક હિન્દુ યુવકની કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં છેલ્લા માત્ર 18 દિવસમાં જ આ પાંચમા હિન્દુ વ્યક્તિની હત્યા થઈ છે. આ પ્રકારના ટાર્ગેટ કિલિંગથી સ્થાનિક હિન્દુ સમુદાયમાં રોષ અને ભયનું વાતાવરણ છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન હજુ સુધી આ હુમલાખોરોને પકડવામાં નિષ્ફળ સાબિત થયા છે અથવા આંખ આડા કાન કરી રહ્યા છે.
આ અગાઉ ગુરુવારે પણ એક અમાનવીય ઘટના બની હતી, જેમાં ચંદ્રા દાસ નામના હિન્દુ વેપારીને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચંદ્રા દાસ જ્યારે પોતાની દુકાન વધારીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આટલેથી ન અટકતા તેમના પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવાનો ભયાનક પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓ દર્શાવે છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેનું ઝેર કઈ હદ સુધી વધી ગયું છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં હિંદુ વેપારીને સળગાવીને હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીની ધરપકડ
બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો, ઘરો અને વેપારી મથકો પર થઈ રહેલા હુમલાઓને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. જોકે, જમીની હકીકત એ છે કે હજુ પણ અનેક વિસ્તારોમાં હિન્દુ પરિવારો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે.



