આક્રમણકારોના અત્યાચારોથી હિન્દુઓની વસ્તી ઘટીને 30 કરોડ થઈ: યોગી આદિત્યનાથ

લખનઉઃ બારમી સદીમાં ભારતમાં હિન્દુઓની વસ્તી 60 કરોડ હતી, પરંતુ આક્રમણકારોના અત્યાચારના કારણે 1947માં દેશની આઝાદી સમયે તેમની સંખ્યા ઘટીને 30 કરોડ થઈ ગઈ હતી, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. યોગી આદિત્યનાથે આત્મનિર્ભર ભારત સ્વદેશી સંકલ્પ વિષય પર રાજ્ય સ્તરીય વર્કશોપને સંબોધિત કરતી વખતે આ દાવો કર્યો હતો.
દેશ સ્વતંત્ર થયો ત્યારે વસ્તી ઘટીને માત્ર 30 કરોડ થઈ
“જ્યારે ઇસ્લામે પહેલી વાર ભારત પર હુમલો કર્યો અને તે પછી પણ 1100 વર્ષ સુધી દેશમાં હિન્દુઓની વસ્તી 60 કરોડ હતી અને 1947માં જ્યારે દેશ સ્વતંત્ર થયો ત્યારે હિન્દુઓની વસ્તી ઘટીને માત્ર 30 કરોડ થઈ ગઈ. તમે મને કહો શું આ 800-900 વર્ષોમાં આપણી વસ્તી વધવી જોઈતી હતી અથવા ઓછી થવી જોઈતી હતી? આપણે 60 કરોડમાંથી 30 કરોડ પર આવી ગયા હતા.
હિંદુઓ ભૂખથી પણ મર્યા, બીમારીથી પણ મર્યા
આદિત્યનાથે એવો પણ દાવો કર્યો હતો કે “આક્રમણકારો” એ માત્ર હિન્દુઓની વસ્તી જ ઘટાડી નહોતી પરંતુ કૃષિ ઉત્પાદન પણ ઘટાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હિંદુઓને ફક્ત આક્રમણકારોએ જ માર્યા નથી, પરંતુ તે ભૂખથી પણ મર્યા, બીમારીથી પણ મર્યા, તમામ અન્ય પ્રકારે અત્યાચાર કરવામાં આવતા મોતને ભેટ્યા. વિદેશી ગુલામી આવી જ હોય છે. આ દેશ સાથે પણ એવુ જ કરવામાં આવ્યું.
ભારતનો અર્થ આજનું ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ
જોકે, આદિત્યનાથે 300 વર્ષ પહેલાં ભારતની સમૃદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “બહુ દૂર જવાની જરૂર નથી. ૩૦૦ વર્ષ પહેલાં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું યોગદાન 25 ટકા હતું. વિશ્વના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન 25 ટકા હતું.” ભારતનો અર્થ આજનું ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. એનો અર્થ એ થયો કે 300 વર્ષ સુધી ભારત વિશ્વની નંબર વન આર્થિક શક્તિ હતી. તે નંબર વન ઉત્પાદક રાષ્ટ્ર હતું, અને કૃષિમાં ભારત અજોડ હતું.”
સ્વદેશીનો નારા લગાવતા મુખ્ય પ્રધાને કોઈનું નામ લીધા વિના તેમના વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે, “શું નહોતું ભારત પાસે પરંતુ જે લોકોએ આપણને જાતિ, પ્રદેશ અને ભાષાના નામે વિભાજીત કર્યા અને આજે પણ તે લોકો સમાન વિદેશી માનસિકતા સાથે કામ કરી રહ્યા છે અને સમાજને વિભાજીત કરે છે, તેઓ આ સ્વદેશી અભિયાન પર પણ આંગળી ઉઠાવે છે.”
સ્વદેશી હવે ફક્ત ખાદીના કાપડ સુધી મર્યાદિત નથી
સ્વદેશી ઉત્પાદનો વાપરવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, “સ્વદેશી હવે માત્ર એક નારો નથી. સ્વદેશી હવે ફક્ત ખાદીના કાપડ સુધી મર્યાદિત નથી. સોયથી લઈને માલવાહક જહાજો સુધી અને ફાઉન્ટેન પેનથી લઈને વિમાનો સુધી ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દેશમાં આવા ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશીની વિભાવનાને વિશાળ અને વ્યાપક સ્તરે વિસ્તારી છે.”
આદિત્યનાથે કહ્યું હતું કે, “આપણા માટે ભારતીય કામદારોના પરસેવા અને ભારતના યુવાનોની પ્રતિભાથી ઉત્પાદિત કોઈપણ ઉત્પાદન સ્વદેશી છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડનો અર્થ એ છે કે ભારતમાં બનેલું ઉત્પાદન જે સમગ્ર વિશ્વ માટે યોગ્ય છે.” આપણે બધા સ્વદેશીને આપણા જીવનનો ભાગ બનાવીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો…ગોરખપુરની એ હિંસા અને યોગી આદિત્યનાથનું સંસદમાં રૂદનઃ ફિલ્મમાં આ સિન કેવો ભજવાયો…