છત્તીસગઢના પ્રથમ જ્ઞાનપીઠ વિજેતા વિનોદ કુમાર શુક્લનું નિધન: હિંદી સાહિત્યજગતમાં શોકનો માહોલ

રાયપુર: જ્ઞાનપીઠ પુરસ્કાર 2024ના વિજેતા અને જાણીતા હિંદી સાહિત્યકાર વિનોદ કુમાર શુક્લનું આજે નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નાદુરસ્ત તબિયતના કારણે વિનોદ કુમાર શુક્લને રાયપુર ખાતેની એઇમ્સ હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. તેમના અવસાનથી સમગ્ર હિન્દી સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
એક મહિના પહેલા જ મળ્યો જ્ઞાનપીઠ પુરસ્કાર
1 જાન્યુઆરી 1937ના રોજ જન્મેલા વિનોદ કુમાર શુક્લે પોતાના જીવનકાળ દરમિયાન અનેક પુસ્તકો અને કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમના પહેલો કવિતા સંગ્રહ ‘લગભગ જય હિંદ’ 1971માં પ્રકાશિત થયો હતો. જ્યારે તેમની પહેલી નવલકથા ‘નોકર કી કમીઝ’ 1979માં છપાઈ હતી. તેમનો પહેલો વાર્તાસંગ્રહ ‘પેડ પર કમરા’ 1988માં પ્રકાશિત થયો હતો.
વિનોદ કુમાર શુક્લે હિંદી ભાષામાં કુલ 8 કાવ્યસંગ્રહો, 6 નવલકથાઓ અને 5 વાર્તાસંગ્રહો આપ્યા હતા. હિંદી સાહિત્યમાં આ યોગદાનને ધ્યાનમાં રાખીને વિનોદ કુમાર શુક્લને જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો હતો. આ સાથે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર છત્તીસગઢના પહેલા સાહિત્યકાર પણ બન્યા હતા. વિનોદ કુમાર શુક્લને તેમની ‘દીવાર મેં એક ખિડકી’ નવલકથા માટે સાહિત્ય અકાદમીનો પણ પુરસ્કાર મળ્યો હતો. તેઓ પેન નાબોકૉવ એવોર્ડ મેળવનાર એશિયાના પહેલા વ્યક્તિ બન્યા હતા.
નવી પેઢી ભાષા અને વિચારધારાનો આદર કરશે
જ્ઞાનપીઠ પુરસ્કાર 2024 પ્રાપ્ત કર્યા બાદ વિનોદ કુમાર શુક્લે જણાવ્યું હતું કે, “જ્યારે હિંદી ભાષા સહિતની તમામ ભાષાઓ પર સંકટ મંડારાઈ રહ્યું હોવાની વાતો થઈ રહી છે, નવી પેઢી દરેક ભાષા અને દરેક વિચારધારાનો આદર કરશે એવી મને પૂરેપૂરી આશા છે. કોઈ ભાષા અથવા વિચારના નાશ થવાનો અર્થ છે કે માણસાઈનો નાશ થવો.”
ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર એ છત્તીસગઢનો સ્થાપના દિવસ છે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનોદ કુમાર શુક્લ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ખબર-અંતર પૂછ્યા હતા.



