Hindi Day: સ્કૂલના ટીચર કરતા પણ વધારે સારું હિન્દી આપણને હિન્દી ફિલ્મોએ શિખવ્યું છે

Hindi Day 2025: હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાનો મુદ્દો જ્યારે પણ આવે છે ત્યારે તે રાજકીય રંગ લઈ લે છે. થોડા મહિનાઓ પહેલા જ આ મુદ્દો મહારાષ્ટ્રમાં સળગ્યો હતો, આવી જ રીતે વર્ષોથી દક્ષિણ ભારત હિન્દી ભાષા વિરોધી જ રહ્યું છે. છતાં પણ સાઉથમાં રહેતી શ્રીલેખા અય્યર હોય કે મહારાષ્ટ્રમાં રહેતી સુપ્રિયા શિંદે કે પછી દેશના અલગ અલગ ખૂણામાં રહેતી ગમે તે સ્ત્રી કે પુરુષ એક વાતમાં તેઓ હિન્દીનો વિરોધ કરતા નથી અને તે છે હિન્દી ફિલ્મો. દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ હિન્દીના પ્રસારનો શ્રેય હિન્દી સાહિત્ય અને તેના કરતા પણ વધારે જાય છે હિન્દી ફિલ્મોને. તો આજે હિન્દી દિવસ પર ચાલો જાણીએ ફિલ્મ અને સાહિત્યની રસપ્રદ વાતો.
ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. અહીં દરેક રાજ્યની પોતાની એક ભાષા છે. જ્યારે હિન્દી રાષ્ટ્રભાષા છે. 14 સપ્ટેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ દેવનાગરી લીપીની સાથે હિન્દીનો રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોકે, દક્ષિણ ભારતના રાજ્યો સિવાય ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે.

હિન્દી ભાષા અને ફિલ્મોનો સંબંધ
તમે શાળામાં ભણવા જાવ તેના પહેલા જ તમને હિન્દી ભાષા બોલતા આવડી જાય છે. જેની પાછળનું એક કારણ હિન્દી ફિલ્મો છે. જોકે, આજની હિન્દી ફિલ્મોમાં બોલાતી હિન્દી ભાષા શુદ્ધ હિન્દી હોતી નથી. પરંતુ ફિલ્મો આપણને હિન્દી ભાષા શીખવવાનું માધ્યમ બને છે. હિન્દી ફિલ્મોમાં હિન્દી સાહિત્યની છાપ જોવા મળે છે.
પ્રેમચંદ, ફણિશ્વરનાથ રેણુ, ભગવતિચરણ વર્મા, ભીષ્મ સાહની જેવા ઘણા હિન્દી ભાષાના લેખકો છે, જેમણે હિન્દી સાહિત્યને પોતાની વાર્તાઓ અને નવલકથાઓથી સમૃદ્ધ બનાવ્યું છે. આ વાર્તાઓ અને નવલકથાઓ પરથી કેટલીક ફિલ્મો પણ બનાવવામાં આવી છે. જે હિટ પણ રહી છે.

હિન્દી વાર્તાઓ નવલકથાઓ પરથી બની ફિલ્મ
પ્રેમચંદની નવલકથા ‘ગોદાન’ પરથી 1963માં ફિલ્મ બની હતી. જેમાં રાજકુમાર અને કામિની કૌશલ હતા. તેમની બીજી નવલકથા ‘ગબન’ પર 1966માં ફિલ્મ બની, જેમાં સુનીલ દત્ત અને સાધના હતા. જાણીતા ફિલ્મ મેકર સત્યજીત રે પર પ્રેમચંદની વાર્તાઓની ઊંડી અસર હતી. તેમણે પ્રેમચંદની વાર્તા ‘શતરંજ કે ખિલાડી’ પર સંજીવ કપૂર અને સઈદ જાફરીને લઈને એક ક્લાસિક ફિલ્મ બનાવી હતી. જેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ સિવાય સત્યજીત રેએ સ્મિતા પાટીલ અને ઓમ પૂરીને લઈને પ્રેમચંદની વાર્તા પરથી ‘સદ્ગતિ’ ફિલ્મ પણ બનાવી હતી.


આ સિવાય ભીષ્મ સાહનીની નવલકથા ‘તમસ’ પર પણ એક લોકપ્રિય ટીવી સિરિયલ બની. ભગવતી ચરણ વર્માની નવલકથા ‘ચિત્રલેખા’ પર બે વખત ફિલ્મ બની અને બંને સફળ રહી. ફણીશ્વર નાથ રેણુની વાર્તા ‘મારે ગયે ગુલ્ફામ’ પર આધારિત ફિલ્મ ‘તીસરી કસમ’ પણ એક ક્લાસિક ફિલ્મ ગણાય છે. કમલેશ્વરે લખેલી વાર્તા ‘પતિ, પત્ની ઓર વો’ પરથી પણ ફિલ્મ બનાવવામાં આવી હતી. જેમાં સંજીવ કપૂર અને રંજીતા કૌરે અભિનય કર્યો હતો.
ફિલ્મોથી વિદેશમાં પ્રસરી હિન્દી ભાષા
આજે હિન્દી સિનેમાની લોકપ્રિયતા વિદેશોમાં પણ વધી રહી છે. લોકો ફિલ્મોનો આનંદ માણવા માટે હિન્દી ભાષા શીખી રહ્યા છે. શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સના ચાહકો પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ફેલાયેલા છે, જે દર્શાવે છે કે ફિલ્મો હિન્દી ભાષાના પ્રસારમાં મહત્વનો ભાગ ભજવે છે.
ઉપરોક્ત તમામ ઉદાહરણો દર્શાવે છે કે જ્યારે સિનેમા અને સાહિત્ય એકબીજા સાથે જોડાય છે, ત્યારે બંનેનું મહત્વ અને લોકપ્રિયતા વધે છે. સિનેમા ભાષાના પ્રસારમાં મદદ કરી શકે છે, અને સાહિત્યિક કૃતિઓ ફિલ્મોને ઊંડાણ અને કલાત્મકતા આપી શકે છે.