આસામના મુખ્ય પ્રધાનને જેલમાં મોકલવાની રાહુલ ગાંધીએ કરી વાત, હિમંત બિસ્વા સરમાએ આપ્યો વળતો જવાબ

કામરૂપ: લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અવારનવાર સત્તાપક્ષના નેતાઓને લઈને આકરા નિવેદનો આપતા રહે છે. તાજેતરમાં તેમણે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાને લઈને નિવેદનો આપ્યા છે. હિમંત બિસ્વા સરમા જેલમાં જશે એવું રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. જેને લઈને હિમંત બિસ્વા સરમા રાહુલ ગાંધીને વળતી પ્રતિક્રિયા આપી છે.
પોતે જામીન પર છો એ કેમ ભૂલી જાવ છો
આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા એક્સ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. હિમંત બિસ્વા સરમા લખ્યું હતું કે, “લખી લો, હિમંત બિસ્વા સરમાને જેલમાં અવશ્ય મોકલીશું – આ એ વાક્ય છે જે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આસામમાં કૉંગ્રેસની રાજનીતિક બાબતોની સમિતિની બેઠકમાં કહ્યું, પરંતુ આપણા નેતા એ વાત કેટલી સહજ રીતે ભૂલી જાય છે કે તેઓ પોતે સમગ્ર દેશમાં નોંધાયેલા ઘણા ગુનાઈત કેસને લઈને જામીન પર છે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે, રાહુલ જી. આજના દિવસે આસામની મહેમાનગતિનો આનંદ લો.”
આસામમાં શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
તાજેતરમાં કૉંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આસામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચાયગાંવ લોકસભા વિસ્તારમાં કૉંગ્રેસની રાજકીય બાબતોની સમિતિની બેઠકમાં કાર્યકર્તાઓનું સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આજે જે આસામમાં થઈ રહ્યું છે, તે આખા દેશમાં થઈ રહ્યું છે. અહીંના મુખ્ય પ્રધાન પોતાને રાજા સમજે છે. પરંતુ તમે જ્યારે તેમનો અવાજ સાંભળશો, તેમની આંખોમાં જોશો, તો તમને તેની પાછળનો ડર દેખાડજો. તે મોટી-મોટી વાતે કરે છે, બૂમો પાડે છે, પરંતુ તેમના દિલમાં ડર છે. આવું એટલા માટે કે તેઓ જાણે છે કે, એક દિવસ કૉંગ્રેસના બબ્બર શેર તેમને જેલમાં મોકલી દેશે. તેઓને પોતાના તમામ ભ્રષ્ટાચારનો હિસાબ આસામની જનતાને આપવો પડશે.”
સીએમને જેલમાં જતા કોઈ રોકી નહી શકે
રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું હતું કે, “હું જે બોલું છું, તે થાય છે. હું કોવિડ, નોટબંધી, ખોટી જીએસટીના સમયે જે બોલ્યો હતો, તેનું પરિણામ સૌને જોવા મળ્યું છે. હું આજે જે બોલી રહ્યો છું, તે ટૂંકાગાળામાં મીડિયાવાળા તમને મુખ્ય પ્રધાનને જેલમાં જતા દેખાડશે અને તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ પણ બચાવી નહી શકે. આ કામ કૉંગ્રેસ પક્ષ નહી કરે. પરંતુ આસામના યુવાનો, ખેડૂતો, મજૂરો અને દરેક વર્ગના લોકો કરીને બતાવશે. કારણ કે તેમને ખબર છે કે તે વ્યક્તિ ભ્રષ્ટ છે. આ વ્યક્તિ 24 કલાક આસામની જમીન ચોરી કરે છે. ક્યાંક સોલર પાર્કના નામ પર, ક્યાંક રિસોર્ટના બહાને- આ વાત આસામના દરેક નાના બાળકો જાણે છે.”
નવી મતદાર યાદીનો કૉંગ્રેસ કરશે વિરોધ
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રની ચૂંટણી ભાજપ અને ચૂંટણી પંચે ચોરી કરી છે. આ કામ હવે બિહારમાં પણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તે લોકો હવે બિહારમાં નવી મતદાર યાદી તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે. આ મતદાર યાદીમાં લાખો લોકોને બાદ કરવામાં આવશે. જેમાં ગરીબ, મજૂર, ખેડૂત અને કૉંગ્રેસ-આરજેડીના મતદાતાઓ સામેલ છે. અમે તેની વિરૂદ્વ બિહારમાં આંદોલન કરી રહ્યા છીએ અને તેના પર દબાણ ઊભુ કરી રહ્યા છીએ. તેઓ આ કામ આસામમાં પણ કરશે, પરંતુ અમે એવું થવા દઈશું નહીં.”