‘મિયાંઓ’ને પરેશાન નહીં કરો ત્યાં સુધી આસામ છોડીને નહીં ભાગે, મુખ્યમંત્રી સરમાના નિવેદનથી વિવાદ

ગુવાહાટી: આસામમાં મુખ્ય પ્રધાન હિંમત બિસ્વા સરમાએ “મિયાં મુસ્લિમ” સમુદાયને લઈને આપેલા નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે અને તેમના આ નિવેદન મુદ્દે રાજનીતિમાં આક્ષેપો થઈ રહ્યા છે. વિરોધ પક્ષે તો ત્યાં સુધી કહી દીધું કે આવા નિવેદનને કારણે તેમણે મુખ્ય પ્રધાન પર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.
જો કે અમુક મુસ્લિમ નેતાઓએ CM સરમાની આ ટિપ્પણીને માત્ર મુસ્લિમો પરની નહિ પરંતુ ગરીબો પર ગણાવી હતી. જો કે આ દરમિયાન એક ધારાસભ્યના નિવેદને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે કહ્યું હતું કે મિયાં સમુદાય શિક્ષણ અને મહેનત આર ધ્યાન આપે તો આગામી 15 વર્ષમાં માત્ર આસામ જ નહિ પણ આખી દુનિયામાં રાજ કરશે.
હવે આસામમાં મિયાં શબ્દ પર વિવાદ જામ્યો છે, ત્યારે મિયાં શબ્દ આસામમાં બંગાળી મુસ્લિમો માટે વાપરવામાં આવે છે. આસામની રાજનીતિમાં આ શબ્દ પહેલા એક ગાળ સમાન હતો, ત્યારે હવે ખુદ મુસ્લિમોએ જ આ શબ્દને અપનાવી લીધો હતો. ભાજપ અને CM સરમા આસામના મુસ્લિમોને પોતાને પડખે રાખીને બંગાળી મુસ્લિમો પર સતત આકરા નિવેદનો આપી રહ્યા છે.
આ જ અઠવાડિયે તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, “જ્યાં પણ શક્ય હોય ત્યાં મિયાં લોકોને પરેશાન કરો. નાની-નાની બાબતોમાં પણ, જેમ કે જો કોઈ મિયાં રિક્ષાવાળો 5 રૂપિયા માંગે, તો તેને 4 રૂપિયા આપો. જ્યાં સુધી તેમને મુશ્કેલી નહીં પડે, ત્યાં સુધી તેઓ આસામ નહીં છોડે.” તેમણે એવું પણ ઉમેર્યું કે આસામમાં યોજાનારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન ‘ચારથી પાંચ લાખ મિયાં મતદારો’ ના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવશે.
આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ 2026ની શરૂઆતમાં યોજાવાની છે. હિમંતાએ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી માટે અગાઉની કોંગ્રેસ સરકારોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ મને જેટલી ઈચ્છે તેટલી ગાળો આપે. મારું કામ મિયાં લોકોને તકલીફમાં મૂકવાનું છે.” મુખ્ય પ્રધાનના આ નિવેદનો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને ત્યારબાદ તેનો જોરદાર વિરોધ શરૂ થઈ ગયો છે.



