હિમાચલ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો વાંચો મહત્ત્વના સમાચાર, આઈએમડીની આગાહી

શિમલાઃ માર્ચ મહિનો અડધો પૂરો થવામાં છે ત્યારે આકરી ગરમીનો મારો ચાલુ થઈ ગયો છે ત્યારે લોકો માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉપડવાની મોસમ શરુ થઈ ગઈ છે, પરંતુ જો તમે હિમાચલમાં જવાનું વિચારતા હો તો હવામાન ખાતાની મહત્ત્વની આગાહી જાણી લેવાનું જરુરી છે. આજે હિમાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઇ હતી, જ્યારે નીચલા અને મધ્યમ પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
મંગળવારને બાદ કરતાં શુક્રવાર સુધી વરસાદ ચાલુ રહેશે. રવિવાર સાંજથી કલ્પામાં ૧૭.૯ સેમી, સાંગલામાં ૮.૬ સેમી અને ગોંડલામાં ૧ સેમી હિમવર્ષા નોંધાઇ છે. જ્યારે શિમલા, જુબ્બરહટ્ટી, કાંગડા, સુંદરનગર, જોત અને ભુંતરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. મંડી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા ધુમ્મસને કારણે વિઝિબિલિટી ૮૦૦ મીટર સુધી ઘટી ગઇ હતી. જ્યારે સિઓબાગ, નેરી, કોટખાઇ અને બિલાસપુરમાં ભારે પવન ફૂંકાયો હતો.
આ પણ વાંચો: Kullu Flood:હિમાચલમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પૂરની સ્થિતિ, અનેક હાઇવે બંધ, જુઓ વિડીયો
ભાભાનગરમાં ૨૧.૬ મીમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ બાગી(૧૯.૫ મીમી), સેન્ડહોલ(૧૯ મીમી), બિજાહી(૧૪ મીમી), ભુંતાર(૧૧.૯ મીમી), સીઓબાગ(૧૧.૨ મીમી), કુફરી(૧૧ મીમી), થિયોગ(૧૦ મીમી) અને સાંગલા(૮.૨ મીમી)નો ક્રમ આવે છે.
શિમલામાં ૬.૧ મીમી અને મનાલીમાં ૬ મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે બુધવારથી શુક્રવાર સુધી લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર અને ચંબાના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
હવામાન વિભાગે મંગળવારે રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરી છે. કીલોંગ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઇનસ ૫.૧ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં એકથી ૧૭ માર્ચ સુધી ૭૫.૬ મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે સામાન્ય રીતે ૬૩.૮ મીમી વરસાદ પડે છે.