હિમાચલના સિરમૌરમાં ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકીઃ આઠ પ્રવાસીનાં મોત

સિરમૌર: પહાડી વિસ્તારોની મુસાફરી ઘણી મુશ્કેલ હોય છે, કારણ કે આવા વિસ્તારોમાં અવારનવાર વાહનચાલકો સંતુલન ગુમાવવાને કારણે ખીણમાં ખાબકવા અથવા અકસ્માત થાય છે. હિમાચલ પ્રદેશમાં પણ આવો જ એક જીવલેણ અકસ્માત ખાનગી બસને નડ્યો છે, જેમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકતા આઠ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ સિરમૈર જિલ્લાના રેણુકાજી વિધાનસભા વિસ્તારમાં હરિપુરધારમાં ખાનગી બસ ‘જીત કોચ’ રસ્તા પાસેની 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના બે ટુકડા થઈ ગયા હતા. ખીણમાં બસ ખાબક્યાની જાણ થતા સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હિમાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ એક્સ પર પોસ્ટ કરીને મૃતકોન શ્રદ્ધાંજલિ અર્પી છે. મુકેશ અગ્નિહોત્રીએ પોસ્ટ કરીને લખ્યું છે કે, “સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં એક ખાનગી બસ ઊંડી ખીણમાં ઉતરી પડતા આઠ લોકોનાં મોત તથા ઘણા પ્રવાસીઓ ઘવાયાના સમાચાર દુ:ખદાયક છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભગવાન પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવારને અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. પ્રશાસન રાહત કાર્યો માટે પહોંચી ગઈ છે. ઓમ શાંતિ.”
સિરમૌર જિલ્લાના એસપી નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું છે કે સિરમૌર જિલ્લામાં હરિપુરધાર પાસે કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસમાં રસ્તા પરથી નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં 30-35 લોકો યાત્રા કરી રહ્યા હતા. પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઇજાગ્રસ્તોને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને સ્થાનિક દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…થાણેમાં ગાયમુખ ઘાટ પાસે મોટો અકસ્માત, ઘોડબંદર રોડ ભારે ટ્રાફિક જામ; મુસાફરી ટાળવા સલાહ…



