
શિમલા: ગઈ કાલે રાજ્યસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર મુશ્કેલમાં મુકાઈ છે. એવામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના દીકરા અને હાલની રાજ્ય સરકારમાં પ્રધાન વિક્રમાદિત્ય સિંહ(Vikramaditya Singh)એ રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું, “અમે હંમેશા પાર્ટીને સમર્થન આપ્યું છે… હું આજે માત્ર એટલું જ કહેવા માંગીશ કે આ સરકારમાં રહેવું મારા માટે યોગ્ય નથી. મેં નિર્ણય કર્યો છે કે હું કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.”
હિમાચલની કોંગ્રેસ સરકારની નીતિઓ પર પ્રહાર કરતા વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, ક્યાંકને ક્યાંક વિધાનસભ્યોની ઉપેક્ષા થઈ છે, વિધાનસભ્યોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેના કારણે આજે અમે સ્થિતિમાં છીએ. પક્ષના નેતૃત્વ સમક્ષ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય રીતે ધ્યાન નથી આપવામાં આવી રહ્યું.
વિક્રમાદિત્ય સિંહે કહ્યું, મારે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે એક પ્રધાન તરીકે મને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું, વિભાગમાં જે પ્રકારના મેસેજ મોકલવામાં આવે છે, અમને નબળા બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર દરેક સામૂહિક પ્રયાસો દ્વારા બની હતી. હું કોઈપણ દબાણમાં ઝૂકીશ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ વિધાનસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું હતું. થોડા કલાકો બાદ પાર્ટી હાઈકમાન્ડ અસંતુષ્ટ વિધાનસભ્યોને મનાવવા માટે સક્રિય થઈ ગઈ ગયું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વરિષ્ઠ નેતાઓ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડીકે શિવકુમારને છ વિધાનસભ્યો સાથે વાત કરવા માટે નિયુક્ત કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ છ વિધાનસભ્યો હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુની કાર્યશૈલીથી હતાશ છે અને તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે.