હિમાચલના બરતરફ વિધાનસભ્યોએ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી

નવી દિલ્હી: કૉંગ્રેસના છ ભૂતપૂર્વ વિધાનસભ્યોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. આ બધાએ હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દિપાંકર દત્તાની ખંડપીઠને ભૂતપૂર્વ વિધાનસભ્યો વતી હાજર સિનિયર એડવોકેટ અભિનવ મુખરજીએ જણાવ્યું હતું કે તેઓ પિટિશન પાછી ખેંચવા માગે છે.
છ ભૂતપૂર્વ વિધાનસભ્યો હવે ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા છે, કેમ કે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ આ ચૂંટણી આવશ્યક બની ગઈ હતી.
18 માર્ચે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર દ્વારા લેવામાં આવેલા વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાના ચુકાદા પર સ્થગનાદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન આ છ વિધાનસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું હતું.
આ છ વિધાનસભ્યોમાં સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજિન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમાર ભૂટ્ટોનો સાવેશ થાય છે. વિધાનસભાની છ બેઠકો પર પેટાચૂંટણી પહેલી જૂને લોકસભાની ચાર બેઠક સાથે કરવામાં આવશે. (પીટીઆઈ)