કાંવડિયાઓએ તોડફોડ કરી પોલીસની ગાડી પલટી દીધી, જુઓ વિડીયો
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશ જેનું મોટું મહાત્મ્ય છે એ કાંવડ યાત્રા(Kanwar Yatra)ની શરૂઆત થઇ ચુકી છે, દરવર્ષે યાત્રા દરમિયાન તોડફોડની કોઈને કોઈ ઘટના બનતી હોય છે. એવામાં આ વર્ષે પણ ગાઝિયાબાદ (Ghaziabad)માં કાંવડિયાઓના એક જૂથે તોડફોડ કરી અને પોલીસ વાહનને પલટી નાખ્યું હતું, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કાંવડિયાઓના આ કૃત્યની સોશિયલ મીડિયા પર ટીકા થઇ રહી છે.
આ પણ વાંચો: કાવડ યાત્રા નેમપ્લેટનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી : કોર્ટ લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
વીડિયોમાં જોવા મળે છે કે ગુસ્સે ભરાયેલા કાંવડિયાઓ પોલીસ લખેલી ગાડી પર પથ્થરો, લાકડીઓ અને હથોડાથી પ્રહાર કરી રહ્યા છે, ત્યાર બાદ ગાડીને પલટાવવાની કોશિશ કરે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગાઝિયાબાદ પોલીસે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે અને પોલીસે જણવ્યું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે પાવર કોર્પોરેશનના વિજીલન્સ વિભાગ હેઠળ કાર્યરત ખાનગી વાહન યાત્રા માટે રિઝર્વ્ડ લેનમાં ઘુસી ગયું અને કથિત રીતે એક કાંવડિયા ટક્કર મારી દીધી. ગુસ્સે ભરાયેલા કાંવડિયાઓએ વાહનમાં તોડફોડ કરી અને ગાડીને પલટી દીધી.
આ પણ વાંચો: સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે ઉઠાવ્યા NEET paper leak, રાજ્યોને વિશેષ દરજ્જો અને કાવડ યાત્રાના મુદ્દા
મળતી માહિતી મુજબ પોલીસે વાહન ચાલકની અટકાયત કરી છે. તોડફોડના આ કૃત્યની સોશિયલ મીડિયા પર કાંવડિયાઓની ટીકા થઈ છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે, અને તપાસ ચાલુ છે.
21 જુલાઈના રોજ મુઝફ્ફરનગરમાં આ પ્રકારની જ ઘટના બની હતી, તેના લગભગ એક અઠવાડિયા પછી ગાઝિયાબાદમાં બનાવ બન્યો છે. હરિદ્વારથી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓના એક જૂથે મુઝફ્ફરનગર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક કારમાં તોડફોડ કરી હતી. કાંવડિયાઓએ દાવો કર્યો હતો કે તેઓ જે ગંગાનું પાણી લઈ જઈ રહ્યા હતા તે વાહનને સ્પર્શ થઇ જતા અશુદ્ધ થઈ ગયું હતું.
આ પણ વાંચો: દુકાનો પર નામ લખવામાં ડુંગળી-લસણ ક્યાંથી આવ્યાં?
થોડા દિવસો પહેલા, કાંવડિયાઓના અન્ય જૂથે કથિત રીતે ભોજનમાં ડુંગળીના ટુકડા મળ્યા બાદ મુઝફ્ફરનગરમાં એક ઢાબામાં તોડફોડ કરી હતી. શ્રાવણ માસ દરમિયાન, ભક્તો માંસાહારી ખોરાક અથવા ડુંગળી અને લસણ ધરાવતી વાનગીઓ ખાવાથી દૂર રહે છે.
કાંવડ યાત્રાને કારણે નોઈડા અને ગાઝિયાબાદના ઘણા રસ્તાઓ આગામી અઠવાડિયા માટે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. 5 ઓગસ્ટની સાંજ સુધી પ્રતિબંધો લાગુ રહેશે.