સંભલમાં જામા મસ્જિદની સફાઇ કરવાનો એએસઆઇને હાઇ કોર્ટનો આદેશ

પ્રયાગરાજઃ અલાહાબાદ હાઇ કોર્ટે આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ને સંભલમાં જામા મસ્જિદના પરિસરની સફાઇ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ મસ્જિદને વ્હાઇટવોશ કરવાનો આદેશ પસાર કર્યો નહોતો.
ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે આ આદેશ જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી દ્વારા રમઝાન પહેલા મસ્જિદને વ્હાઇટવોશ અને સાફ કરવાની પરવાનગી માંગતી અરજી પર આપ્યો હતો.
કોર્ટે ગુરૂવારે એએસઆઇને તાત્કાલિક મસ્જિદ સ્થળનું નિરીક્ષણ કરવા અને ત્રણ અધિકારીઓની એક ટીમની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં આ સંદર્ભે રિપોર્ટ રજૂ કરશે. એએસઆઇના રિપોર્ટ અનુસાર મસ્જિદના આંતરિક ભાગમાં સિરામિક પેઇન્ટ છે અને હાલમાં તેને વ્હાઇટવોશ કરવાની કોઇ જરૂર નથી.
આપણ વાંચો: સંભલની શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના મળ્યા પુરાવા!
શુક્રવારે સુનાવણી દરમિયાન મસ્જિદ સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ. એફ. એ. નકવીએ જણાવ્યું હતું કે તેઓ માત્ર વ્હાઇટવોશ અને લાઇટિંગનું કામ કરાવવા માંગે છે. આ અંગે કોર્ટે એએસઆઇને પરિસરમાં જામેલી ધૂળ અને ઘાસ સાફ કરવાનું કહ્યું હતું.
નકવીએ કોર્ટને ખાતરી આપી હતી કે સફાઇ દરમિયાન કોઇ પણ પ્રકારનો અવરોધ નહીં આવે. જ્યારે રાજ્યના એડવોકેટ જનરલે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે એમ જણાવ્યું હતું.