હાઈ કોર્ટની બીબીસીને નોટિસ
નવી દિલ્હી: `ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન) દ્વારા તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહી છે. આ દસ્તાવેજી ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ દેશના ન્યાયતંત્ર પર ખોટા આક્ષેપો કરી તેમની બદનક્ષી કરી રહ્યા હોવાનો દાવો અને નુકસાનની ભરપાઈની માગણી કરતી એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મામલે દિલ્હી હાઈ કોર્ટે સોમવારે બીબીસીને નવેસરથી નોટિસ પાઠવી હતી.
ગુજરાતસ્થિત એનજીઓ જસ્ટિસ ઑન ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મામલે ન્યાયાધીશ સચિન દત્તાએ બીબીસી (યુકે) ઉપરાંત બીબીસી (ઈન્ડિયા)ને નવેસરથી નોટિસ પાઠવી હતી.
અરજકર્તા એનજીઓના વકીલે હાઈ કોર્ટને જાણ કરી હતી કે અગાઉ પણ બીબીસી (યુકે) અને બીબીસી (ઈન્ડિયા)ને નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેનો અમલ કરવામાં નહોતો આવ્યો.
એનજીઓનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ સિદ્ધાર્થ શર્માએ બચાવપક્ષને નોટિસ પાઠવવા વધુ સમય આપવાની માગણી કરી હતી.
કોર્ટે બચાવપક્ષને નવેસરથી નોટિસ પાઠવવાનો આદેશ આપ્યો હતો અને આગામી સુનાવણી માટે 15 ડિસેમ્બર મુકરર કરી હતી. (એજન્સી)